થોડા સમય પહેલા આવેલા નકલી ઇન્જેક્શન કોભાંડ પછી ફરી એકવાર પાલનપુરમાંથી 9 લાખનો નકલી હેન્ડ સેનિટાઈઝરનો મુદ્દામાલ જપ્ત કરાયો:  પોલીસે વેપારી સાથે સધન પુછપરછ આદરી 

ગાંધીનગર: રાજયમાં અમદાવાદ અને સુરતમાં કોરોનાના દર્દીઓ માટે જીવન રક્ષક ઈન્જેકશન મનાતા ટોસિલિઝુમેબ અને રેમડેસિવિર બનાવવાના કૌભાંડને પર્દાફાશ થયા બાદ હવે ફૂડ એન્ડ ડ્રગ્સ ખાતાના અધિકારીઓ દ્વારા  ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસેથી નકલી હેન્ડ સેનિટાઈઝર બનાવવાની ફેકટરી શોધી કાઢીને તેમાંથી અંદાજિત 9 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને મળેલી બાતમીના આધારે તેઓએ રેડ દરમિયાન પાલનપુરના ગેટ વે પ્લાઝા પાછળ, ગઠામણ પાટીયા, હાઇવે રોડ, પાલનપુર ખાતે દરોડો પાડીને જીવન મંગલસિંહ પુરોહિતને ત્યાંથી જુદા જુદા પેકિંગ વાળા રીચ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી શુભ કેમિકલ્સ; કેર એન્ડ ક્યોર હેન્ડ સેનિટાઈઝર; સેફ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયા; એફ એન્ડ ડી હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ વગેરે ઇન્ડિયાની બનાવટો મળી હતી, આ બનાવટ તથા અન્ય જથ્થો તેમજ મશીનરીનો જથ્થો સહિત 9 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ રેડ દરમિયાન પકડાયેલા જીવન મંગલસિંહ પુરોહિતે પૂછપરછ કબૂલ્યું હતુ કે તેઓ આ બોગસ ધંધો આશરે એક માસથી કરે છે. જેની અન્ય એક પેઢી શગુન ઇન્ટરનેશનલ, જી-૩૨, શ્રી આર્કેડ, હનુમાન ટેકરી, પાલનપુર આવેલી છે જેના નામે હેન્ડ સેનિટાઈઝર બનાવટોનું ખરીદ-વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ વધુ માહિતી આપતા કહ્યું કે તેમણે શહેરના અંતરિયાળ રહેણાક વિસ્તારમાં વેપલો વગર પરવાને અને ટેસ્ટિંગ કર્યા વગર વિપુલ પ્રમાણમાં કોસ્મેટિક કેટેગરીના હેન્ડ સેનિટાઇઝર વેચાણ કર્યું હતુું. આ બનાવટોનું અત્યાર સુધી કોને કોને વેચાણ કર્યું છે તે ઉપરાંત તેઓએ મેળવેલી આલ્કોહોલની વિગતો તથા વેચાણ વિગતો બાબતે પોલીસ તપાસ હાથ ધરાઈ છે.

સંદર્ભ: ગુજરાતમિત્ર