અમદાવાદ:આજે આખું વિશ્વ ભારતને એક યુવા દેશ તરીકે ઓળખે છે.આજના યુવાનોની આંખમાં અવનવા સપનાઓ સાથે ઉડાન ભરવાની આશ હોય છે ત્યારે આજનો દરેક યુવાન સ્વાભિમાન સાથે કામ કરીને સ્વાવલંબી બને અને શ્રમના મહત્વને સમજતો થાય તે પ્રકારની કેળવણી આપવાની પહેલ કરવી પડશે. આજે જ્યારે યુવા સ્વાભિમાન કાર્યક્રમની વાત કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને કેવી રીતે ભૂલી શકાય. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા શરૂ કરવામાં આવેલ યુવા સ્વાભિમાન કાર્યક્રમ આજે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે આશિર્વાદરૂપ બન્યો છે ત્યારે આ લેખ દ્વારા ગૂજરાત વિદ્યાપીઠની આ અનોખી પહેલની વાત મુકવાનો પ્રયાસ કર્યો છે.

     ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા યુવા સ્વાભિમાન કાર્યક્રમ હેઠળ ૨૦૧૫થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન અને શનિ-રવિ દરમિયાન પરીસરની અંદર જ દિવસના ૦૮ કલાક  કામ કરીને વળતર મેળવે છે.આ કાર્યક્રમ હેઠળ કામ કરનાર વિદ્યાર્થીને પ્રતિ કલાકના ૪૦ રૂપિયા લેખે મુલ્ય આપવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા વર્ષ દરમિયાન ૩૦૦ કરતા વઘુ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સ્વમાનભેર કામ કરીને શિષ્યવૃતિ મેળવે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં મોટાભાગે અંતરિયાળ ગામડાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન પુરું પાડે છે.

      યુવા સ્વાભિમાન કાર્યક્રમ વિશે વાત કરતા ગૂજરાત વિદ્યાપીઠના નિયામકશ્રી ડૉ.રાજેન્દ્રભાઈ ખીમાણી જણાવે છે કે, શિષ્યવૃતિ તો ઘણા બધા જુદી જુદી રીતે આપે છે.પરંતુ શિષ્યવૃતિ આપતી વખતે કશો એક ઉપકાર ભાવ આપણામાં પેદા થાય છે અને લેનાર થોડો હાથ નિચો રાખીને માગતો હોય તેમ લાગે છે.એના બદલે ગાંધીજીની દ્રષ્ટ્રીએ વિચારીએ તો સ્વમાનભેર મહેનત કરીને હું શું કામ ન કમાવ.આ વિચાર સાથે સ્વાભિમાન શિષ્યવૃતિ શરૂ કરવામાં આવી.જ્યારે અમે આ શરૂઆત કરી ત્યારે વિદ્યાર્થીઓ સાથે એ રીતે વાત કરી કે તમે જે પરીસરમાં રહો છો તે પરીસર તમારે કેવું જોઈએ છીએ.?  તમે એવું પરીસર બનાવી શકો કે ના બનાવી શકો તે ખ્યાલે રાખીને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.

યુવા સ્વાભિમાન કાર્યક્રમમાં જોડાયેલ વિદ્યાર્થીઓની વાત તેમના શબ્દોમાં

કુંદનભાઈ વસાવા, હિન્દી, ૨૦૧૫ થી ૨૦૧૭

યુવા સ્વાભિમાન શિષ્યવૃતિ કાર્યક્રમમાં જોડાયા પછી મે ક્યારેય પણ ઘરેથી કોઈપણ પ્રકારની ફી ભરવાની કે વાપરવા માટેની રકમ માગી નથી. આ યોજનામાં જોડાવાનો મુખ્ય ઉદેશ્ય એજ હતો કે હંમેશા મને ઘરેથી પૈસા માંગવાની શરમ આવતી હતી. માટે હું શનિ-રવિ અને રજાઓના સમયમાં આ કામ કરતો હતો. આ કાર્યક્રમ દ્વારા હું વઘુ સારી રીતે અભ્યાસ કરીને સારી નોકરી મેળવી શક્યો છું. જેનો મને આજે ગર્વ છે.

  નેહાબેન મકવાણા, સમાજર્કાય, ૨૦૧૭ થી ૨૦૧૯

     હું છેલ્લા પાંચ વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી રહી હતી. ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા ચાલતા સ્વાભિમાન કાર્યક્રમની અંદર  જોડાવાથી અભ્યાસના ફી ની ચિંતા તેમજ ફિલ્ડમાં જવા માટેના પૈસાની ચિંતા દૂર થઈ. મને આજે ગર્વ થાય છે કે હું આર્થિક ટેન્શન વગર મારો અભ્યાસ પુરો કરી શકી. ખરેખર આ કાર્યક્રમથી મને ખુબજ મદદ મળી છે. આવા કાર્યક્રમો ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા રહે તેવી આશા.

હિતેશભાઈ ડોંગા, પત્રકારત્વ, ૨૦૧૪ થી ૨૦૧૬

     આ કાર્યક્રમ દ્વારા મને ટીમવર્ક, આયોજન, સમયનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું તે શિખવા મળ્યું. મને યાદ છે કે મારા એક સત્રનો ખર્ચ આ કાર્યક્રમ દ્વારા કામ કરીને કાઢી નાખ્યો હતો. મને સૌથી વઘારે આનંદ આજે એ વાતનો છે કે, આ ક્રાર્યક્રમ દ્વારા હું સ્વાવલંબી બન્યો છું અને મારી જવાબદારીઓને સમજતો થયો છું.

૨૦૧૫ થી ૨૦૨૦ સુઘી ચુકવેલ સ્વાભિમાન શિષ્યવૃતિ વિશેની માહિતી.

 

 

 

 

     યુવા સ્વાભિમાન કાર્યક્રમ વિશે ગૂજરાત વિદ્યાપીઠના એન.એસ.એસ કોર્ડિનેટર ડૉ.અરૂણભાઈ ગાંધી જણાવે છે કે, મહાત્મા ગાંધીજીએ વિદ્યાર્થીઓનો સર્વાગી વિકાસ થાય તે માટે શિક્ષણની સાથે શ્રમને પણ મહત્વ આપ્યું હતું. આજે આપણે ગાંધીજીના બુનિયાદી શિક્ષણના વિચારોને અનુરૂપ વિદ્યાર્થીઓને સ્વઘડતર, આત્મનિર્માણનું શિક્ષણ આપવાની પહેલ કરવી જ પડશે. 

     આજના યુવાનો શ્રમનું મહત્વ સમજે અને સ્વાવલંબી બને તે માટે એક પ્રયાસની જરૂર છે. આજે યુવાનોના મન અને આત્મામાં જે ઉત્તમ અંશો છે તેનો સર્વાંગી વિકાસ સાધીને તેને બહાર લાવવા માટેનો પ્રયાસ કરવો જ રહ્યો. ગૂજરાત વિદ્યાપીઠની આ અનોખી પહેલ આજના યુવાનોમાં શ્રમનું ગૌરવ તો વધારે જ છે સાથે જ સ્વાભિમાન સાથે કેવી રીતે જીવન જીવવું તે પણ શીખવે છે.

   ગાંધીજીનો જીવન કેળવણી સંદેશ

    સ્વમાન અને મર્દાનગી વેચીને શિક્ષણ મેળવવાનું હોય તો એ સોદો બહુ જ મોંધો કહેવાય; “માણસ રોટલો ખાઈને જીવે છે એવું નથી.” આજીવિકાનાં સાધનો અથવા ઉજ્જવળ કારકિર્દી પ્રાપ્ત કરવા કરતાં સ્વમાન અને ચારિત્ર્ય વધારે કીમતી છે. સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ઈમાનદારી અને માનવબંધુઓની નિ:સ્વાર્થ સેવા કરતાં બીજું કોઈ વધારે સારું અને સ્વચ્છ સાધન જાણમાં નથી.          યંગ ઈન્ડિયા,૧-૧૦-૧૯૧૯(ગાં.અ.૧૬:૧૮૫-૬)

પ્રવિણ પરીખ, ૯૬૬૨૯ ૩૮૦૯૯, aaravparikh2014@gmail.com
ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪                                              
તા.૨૩/૦૮/૨૦૨૦                                              ગાંધીપથ