વર્તમાન સમયમાં એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ (AQLI) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હવાનું પ્રદૂષણ લોકોના આયુષ્ય સંભવિતતા બે વર્ષ જેટલી ઘટાડી દે છે. એર ક્વૉલિટી લાઇફ ઇન્ડેક્સ એવો સૂચકાંક છે કે જે બળતણના ઉપયોગ દ્વારા થતા હવા પ્રદૂષણને માનવીના સ્વાસ્થ્ય પર થતી અસરરૂપે રજૂ કરે છે એક્યૂએલઆઇનું કહેવું છે કે એક તરફ દુનિયા કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે વેક્સિનની શોધમાં લાગી છે પરંતુ બીજી તરફ હવા પ્રદૂષણના કારણે દુનિયામાં કરોડો લોકોનું જીવન ટૂંકાઇ રહ્યું છે.
        AQLIના રિપોર્ટ અનુસાર ભારતમાં તો હવાના પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલાંક પ્રદેશોમાં તો તેના કારણે લોકોના સરેરાશ જીવનમાં એક દાયકાનો ઘટાડો થઇ રહ્યો છે. સંશોધકોના જણાવ્યા અનુસાર અનેક સ્થળો એવા છે જ્યાં લોકો જે હવા શ્વાસમાં લે છે તેની ગુણવત્તા માનવ સ્વાસ્થ્ય માટે કોરોના કરતાયે મોટો ખતરો છે. બીજા શબ્દોમાં કહીએ તો આજે પ્રદૂષણના કારણે શ્વાસમાં જે હવા લેવામાં આવે એ જ ઝેર બની ચૂકી છે. દેશભરની હોસ્પિટલોમાં શ્વાસના રોગોના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો થઇ રહ્યો છે. વધતા જતા પ્રદૂષણ સામે અસરકારક પગલા લેવા આવશ્યક બની ગયા છે.
     વાતાવરણમાં જ્યારે અતિ ભારે માત્રામાં ઝેરી કણો ભળેલા હોય ત્યારે જીવનું જોખમ આવી પડે છે. ખાસ કરીને બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે જોખમ ઘણું વધી જાય છે.  સ્મોગમાં રહેલા સૂક્ષ્મ કણો શ્વાસની સાથે શરીરમાં જતાં ગંભીર પ્રકારના બ્રોન્કાઇટિસ, ફેફસાંનું કેન્સર અને હૃદયની બીમારી જેવા જીવલેણ રોગો થવાની શક્યતા વધી જાય છે. અસ્થમાના દર્દીઓને હુમલાનું પ્રમાણ વધી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓને બ્રેઇન સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે.
      આ સાથે જ ખાંસી, શરદી, છાતીમાં દુઃખાવો, ચામડીના રોગો, વાળ ઉતરવા જેવી સમસ્યાઓ પણ થાય છે. આજે પ્રદેશના અનેક બાળકો ફેફસાંની કોઇ બીમારીથી પીડાય છે. બે વર્ષથી વધારે વયના બાળકોમાં અસ્થમાનું પ્રમાણ વધ્યું છે. ૧૩ વર્ષથી ઓછી વયના બાળકોમાં બ્રોન્કાઇટિસની સમસ્યા વધી છે. થોડા સમય પહેલાં જ વર્લ્ડ એર ક્વૉલિટી રિપોર્ટમાં પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતના ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતમાં પ્રદૂષણની સમસ્યા વધારે ગંભીર છે. પ્રદેશના નાનામોટા શહેરોના લાખો લોકો સૌથી ઝેરી કહી શકાય એવી હવામાં શ્વાસ લઇ રહ્યાં છે.
    જોકે એવું જણાઇ રહ્યું છે કે લોકો પોતાની આ દુર્દશા વિશે સાવ અજાણ છે. એર ક્વોલિટી એટલે કે હવાની ગુણવત્તા માપવાના ઘણાં માપદંડ છે પરંતુ જેમાં સૌથી વધારે પ્રચલિત છે હવામાં પી.એમ ૨.૫ અને પી.એમ ૧૦નું પ્રમાણ. પી.એમનો અર્થ છે પાર્ટિક્યૂલેટ મેટર એટલે કે હવામાં રહેલા સૂક્ષ્મ કણો. પી.એમ ૨.૫ અને પી.એમ ૧૦ આ કણોની સાઇઝ દર્શાવે છે. સામાન્ય રીતે આપણા શરીર પરના વાળની સાઇઝ પી.એમ ૫૦ જેટલી હોય છે. એના પરથી અંદાજ લગાવી શકાય કે પી.એમ ૨.૫ અને પી.એમ ૧૦ કેટલા સૂક્ષ્મ કણ હશે. સામાન્ય સંજોગોમાં ૨૪ કલાકમાં હવામાં પી.એમ ૨.૫નું પ્રમાણ ૬૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ અને પી.એમ ૧૦નું પ્રમાણ ૧૦૦ માઇક્રોગ્રામ પ્રતિ ક્યૂબિક મીટર હોવું જોઇએ. આ કણોનું આના કરતા વધારે પ્રમાણ હોય તો એ સ્થિતિ ભયજનક ગણાય.
     ઉદ્યોગો, કાર અને ટ્રકોમાંથી હવા પ્રદૂષણ ફેલાવતા જટિલ મિશ્રણો નીકળે છે જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. એમાંયે સૂક્ષ્મ કણો માનવ સ્વાસ્થ્યને સૌથી વધારે નુકસાન કરે છે. પ્રદેશમાં પ્રદૂષણના માઝા મૂકવા પાછળ એક કરતા વધારે પરિબળો ભાગ ભજવી રહ્યાં છે. એ તો જગ જાહેર છે કે જ્યાં ઔદ્યોગિક કામકાજ વધારે પ્રમાણમાં થતું હોય ત્યાં હવા પ્રદૂષણ વધારે પ્રમાણમાં થાય છે.
   આજે પ્રદેશના શહેરોમાં ફેકટરીઓ મોટા પ્રમાણમાં હોય છે અને સામા પક્ષે પ્રદૂષણને અંકુશમાં રાખતી વનસ્પતિ ઓછા પ્રમાણમાં હોય છે. બીજું કારણ છે ડીઝલ જનરેટરોનો વધારે પડતો ઉપયોગનું પ્રદૂષણનું પ્રમાણ પણ છે. રોજેરોજ પ્રદેશની સડકો ઉપર જે અસંખ્ય વાહનો ફરતા હોય છે તેના ધૂમાડા દ્વારા ફેલાતું પ્રદૂષણ વાતાવરણમાં ભળતું રહે છે. શહેરોમાં જે રીતે વિકાસ વધી રહ્યો છે તેના પગલે ઇમારતોના બાંધકામમાં ભારે વધારો થયો છે. આવી ઇમારતોના નિર્માણ સ્થળ આસપાસ ધૂળના ઢગલાં જામેલાં હોય છે જે પણ પ્રદૂષણમાં ભારે વધારો કરે છે.
   ઉપરાંત પાવર પ્લાન્ટોમાં વપરાતા કોલસાના બળતણના કારણે જે પ્રચંડ પ્રમાણમાં ઝેરી હવા વાતાવરણમાં ભળે છે તેની તો ગણતરી કરવી જ મુશ્કેલ છે. જેમ જેમ શહેરોનો વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ આવા શહેરોની વસતી પણ કૂદકે ને ભૂસકે વધી રહી છે. કારણ એ કે રોજીરોટી કમાવાના આશય સાથે આસપાસના ગામડાઓના લાખો લોકો આવા શહેરોમાં પહોંચતા હોય છે. વસતી વધતા કુદરતી સંસાધનો પર બોજ વધે છે અને પ્રદૂષણમાં પણ વધારો થાય છે.
   હવા પ્રદૂષણને નાથવા સુપ્રીમ કોર્ટ અનેક વખત રાજ્ય સરકારો, એજન્સીઓ અને પર્યાવરણ મંત્રાલયને ચેતવણી આપી ચૂકી છે તેમ છતાં સરકારો પાસે પ્રદૂષણને ડામવા માટેની અસરકારક યોજનાઓનો અભાવ જણાય છે. હાલમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોઇ પણ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી પ્રચારમાં કે એજેન્ડામાં પ્રદૂષણ ઓછું કરવાના દાવા કરતો નથી. ખરેખર તો રાજકીય પક્ષો પ્રદૂષણને લગતા મુદ્દા ઉઠાવતા નથી એની પાછળનું મુખ્ય કારણ પ્રજાની એ સમસ્યા પ્રત્યેની ઉદાસિનતા છે.
   એવું જણાય છે કે પ્રદેશના લોકો બીજી સમસ્યાઓમાં એટલા ડૂબી ગયા છે કે તેમને પ્રદૂષણ દ્વારા પેદા થતા જોખમો વિશે જાણ જ નથી કે પરવા જ નથી. અથવા તો જેમ દરેક બાબતમાં બને છે એમ ઝેરી હવામાં શ્વાસ લેવાને પોતાની કિસ્મત ગણીને આ સમસ્યા સામે હથિયાર નાખી દીધાં છે. પ્રદેશના લોકો પ્રદૂષણ મુદ્દે કોઇ વાત જ કરતા નથી જેના પરિણામે પર્યાવરણને લગતા મુદ્દા માત્ર કાગળ ઉપર જ રહી જાય છે. એક તરફ સ્વચ્છ ભારત અભિયાનમાં પ્રદેશની નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાના દાવા થાય છે પરંતુ પ્રજાની ભાગીદારી વગર આવા અભિયાનો વધારે ચાલતા નથી અને શ્વાસમાં જતી હવાની ગુણવત્તા સતત ખરાબ થઇ રહી છે
    પ્રદેશના જે શહેરો પ્રદૂષણના મામલે અવલ્લ છે એ શહેરોમાં સુરત, અંકલેશ્વર, ભરૂચ, વલસાડ, વાપી વ્યારા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. અંકલેશ્વર અને વાપીને તો ગુજરાતની સૌથી પ્રદૂષિત શહેરોનો ખિતાબ મળ્યો છે. જુદાં જુદાં રિપોર્ટો કહે છે કે પ્રદેશના આ શહેરોના વાયુ પ્રદુષણમાં ૩૨ ટકા ધુમાડો વાહનો અને ૨૮ ટકા ધુમાડો ઔદ્યોગિક એકમો ફેલાવે છે. અંકલેશ્વર અને વાપીની આસપાસના વિસ્તારો હજારોની સંખ્યામાં ઔદ્યોગિક એકમો ચાલે છે. એમાં પણ જોખમકારક બાબત એ છે કે મોટા ભાગના ઔદ્યોગિક એકમો રહેણાંક વિસ્તારોમાં ચાલે છે. હવા પ્રદૂષણ ફેલાવવામાં મોટો હાથ જૂના વાહનોનો પણ છે. લાખોની સંખ્યામાં એવા વાહનો સડકો પર દોડે છે જેમનું આયુષ્ય ખતમ થઇ ચૂક્યું છે આવા વાહનોમાંથી પીએમ ૨.૫ કણો સૌથી વધારે પ્રમાણમાં ઉત્સર્જિત થાય છે.
   પ્રદેશની લગભગ ચોથા ભાગની વસતી સુરત, ભરૂચ, અંકલેશ્વર અને વાપી એમ ચાર તાલુકામાં વસે છે અને આ તાલુકામાં જ હવા પ્રદૂષણ સૌથી વધારે છે. AQLIના દાવા અનુસાર લોકોનું આયુષ્ય હવા પ્રદૂષણના કારણે પાંચ વર્ષ સુધી ઘટી જશે કારણ કે લોકો એવી સ્થિતિમાં જીવી રહ્યાં છે જેમાં ૨૦ વર્ષ પહેલાની સરખામણીએ પ્રદૂષણનું સ્તર હવે ૪૪ ટકા વધારે છે.
   બેશક હાલમાં દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં કોરોના વાઇરસ ગંભીર ખતરો છે અને એના પર ધ્યાન આપવું અનિવાર્ય છે. પરંતુ થોડું ધ્યાન હવા પ્રદૂષણની ગંભીરતા પર આપવામાં આવે તો કરોડો લોકોને સ્વસ્થ અને લાંબુ આયુષ્ય નસીબ થઇ શકશે. અનેક અભ્યાસમાં પણ બહાર આવ્યું છે કે કોરોનાનું જોખમ પણ વાયુ પ્રદૂષણના કારણે વધી જાય છે. પ્રદેશની અનેક સંસ્થાઓએ દેશની સરકારને અપીલ કરી છે કે કોરોના મહામારીનું જોખમ ટળ્યા બાદ વાયુની ગુણવત્તા ઉપર  પણ ધ્યાન આપી હવા પ્રદુષણને નાથવાનો નિર્ણય લે…