ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં પુરતો વરસાદ થવાથી લોકોએ હાશકારો અનુભવ્યો છે. થોડા સમયથી વરસાદ બંધ થવાથી હવે રાજ્યમાંથી ચોમાસાની વિદાય થઈ છે. પરંતુ ફરીવાર રાજ્યમાં વરસાદનો એક રાઉન્ડ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદ થઈ શકે છે. આગામી તારીખ 13 અને 14 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસશે. તે ઉપરાંત 14 ઓક્ટોબરે તાપી, ડાંગ, તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર ,દિવમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે.

ગત 6 ઓક્ટોબર બાદ ચોમાસુ વિદાય લેવાની તૈયારી હતી. જેથી રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હતો. ઉલ્લેખનીય છે કે હાલની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાંથી હજીય વરસાદે વિરામ લીધો નથી. બંગાળમાં સર્જાયેલી લૉ પ્રેશરની સિસ્ટમના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ચોમાસુ વધારે ચાલે તેવી વકી છે.

       ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી પણ હજીયે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે, પવનોની દિશા બદલાતા રાજ્યમાં હજી ઠંડી અને ગરમીનો અનુભવ થશે. હવામાન વિભાગ પ્રમાણે શિયાળા માટે હજી 15 દિવસની રાહ જોવી પડશે.