દેશભરમાં કોરોનાને કારણે હાથ ધોવા જેવી બાબતો પર ભાર મુકાયો છે તેવા સમયે યુનિસેફે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આશરે ૯.૧ કરોડ શહેરી ભારતીયો પાસે ઘરે હાથ ધોવાની મૂળ સવલતોનો અભાવ છે. જોકે તેણે ફરી સ્પષ્ટતા કરી છે કે કોરોના જેવી ચેપગ્રસ્ત બીમારી સામે લડવામાં સાબુથી હાથ ધોવાનું સૌથી વધુ મહત્વનું છે.

     ગ્લોબલ હેન્ડવોશ ડે નિમિત્તે જારી એક નિવેદનમાં યુનિસેફે કહ્યું હતું કે સાબુથી હાથ ધોવાના અભાવને કારણે કોરોના અને અન્ય ચેપગ્રસ્ત બીમારી ફેલાવવાનું જોખમ વધી જાય છે. ‘મધ્ય અને દક્ષિણ એશિયામાં શહેરી વિસ્તારોમાં આશરે ૨૨ ટકા લોકો અથવા ૧૫.૩ કરોડ લોકોમાં હેન્ડવોશિંગનો અભાવ છે. આશરે ૫૦ ટકા બાંગ્લાદેશીઓ અથવા ૨.૯ કરોડ લોકો અને ૨૦ ટકા શહેરી ભારતીયો અથવા ૯.૧ કરોડ લોકોના ઘરે હેન્ડવોશિંગ ફેસિલિટીનો અભાવ છે’ તેમ જણાવાયું છે.

     યુનિસેફ ઇન્ડિયાના ભારતના પ્રતિનિધિ ડો. યાસ્મીન અલી હકે જણાવ્યું હતું કે હેન્ડ વોશિંગ લાંબાસમય સુધી એક વ્યક્તિગત પસંદ નહિ બની રહે. જે સામાજિક જરૂરિયાત પણ બનશે. આ કોરોના અને અન્ય ચેપો સામે તમને અને અન્યોને રક્ષણ કરવા માટે સૌથી ઓછા ખર્ચાળ અને અત્યંત અસરકારક પગલામાંથી એક છે. તેમણે કહ્યું હતું કે ‘સ્કૂલો ફરીથી ખોલવા માટે નવા માપદંડો વિચારી રહ્યા છે ત્યારે આપણે એની ખાતરી કરી લેવાની જરૂર છે કે તેઓ બાળકો માટે સાબુ સાથે હેન્ડવોશિંગ કરવાની પ્રાથમિકતા, પીવાના સાફ પાણી અને સલામત સેનિટાઇઝેશનની વ્યવસ્થા કરે.’

     એક સર્વે પ્રમાણે વિશ્વની ચાલીસ ટકા વસતિ અથવા ત્રણ અબજ લોકો પાસે ઘરે સાબુ અને પાણી સાથે હેન્ડવોશિંગ ફેસિલિટી નથી. ઓછા વિકસિત દેશોમાં આશરે બે-તૃતીયાંશ લોકોમાં ઘરે હેન્ડવોશિંગની મૂળ ફેસિલિટીનો અભાવ છે’ તેમ યુનિસેફે કહ્યું હતું. હવે આવી મહામારીની સમયે આપણે અમુક ઝડપી નિર્ણયો લઇને આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે કટીબદ્ધ થવું પડશે.