પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

     વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે આજ રોજ પહોંચ્યા હતા.

     કપરાડા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કપરાડા પહોંચ્યાં હતા. કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલે જંગી જાહેર સભા સંબોધી હતી. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર આકરા પ્રહાર કરતા તેમને ગદ્દાર કહ્યાં હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,. જો સરદાર પટેલ જીવિત હોત તો આદિવાસીની જમીન પડાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને કયારેય ન સ્વીકારત

     કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના કપરાડાના બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

      કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સભામાં સોશિયલ ડિસ્ટન્સના જોવા મળ્યું ન હતું. જોકે સભાને સંબોધતા કોંગ્રેસ અગ્રણીઓએ અનેક મુદ્દે સરકારને આડે હાથ લીધી હતી. મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા આથી આ પેટા ચૂંટણી આવી પડી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર કોંગ્રેસ અગ્રણીઓએ આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં કોંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર તરીકે ગણાવી અને આ વખતે કપરાડાની જનતાને જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરી હતી.

     કપરાડા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી જીતવા માટે કોંગ્રેસના અગ્રણીઓએ હાાકલ કરી હતી. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. વધુમાં સભાને સંબોધતા ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારના ધારાસભ્યને ખરીદી અને જંગલ અને જંગલની જમીન અંબાણી અદાણીને સોંપવા નું એક મોટું ષડયંત્ર હોય તેવો આક્ષેપ કર્યો હતો.

   નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટમાં પણ આદિવાસીઓની જમીન હડપી અને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિકે આક્ષેપો કર્યા હતા. આમ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર તેજ બન્યો છે. આથી કપરાડા બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થઇ રહ્યો છે. હવે લોકોનો નિર્ણય અને આવનાર પરિણામ શું આવશે એ જોવું રહ્યું.