ફોટો એએનઆઈ

   બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે મતદાન છે. રાજ્યના 16 જિલ્લાની 71 બેઠકો પર સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કામાં 8 મંત્રીઓ સહિત કુલ 1064 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. કોરોનાકાળમાં મતદાન થઈ રહ્યું છે માટે મતદારો માટે ચૂંટણી પંચે જરૂરી નિર્દેશો બહાર પાડ્યા છે.

  કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થઈ રહ્યું છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવીને લાઈનમાં ઊભા રાખવામાં આવી રહ્યા છે. સેનિટાઈઝિંગ થઈ રહ્યું છે.

-ગયામાં પહેલા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું. લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
-સવારે 7 વાગ્યાથી પહેલા તબક્કાનું મતદાન શરૂ થતા જ લોકોનો મત આપવા માટે ધસારો.

   બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં હાઈ પ્રોફાઈલ ઉમેદવારોમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હિન્દુસ્તાની અવામ મોરચાના અધ્યક્ષ જીતનરામ માંઝી અને આરજેડીના ઉદય નારાયણ ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર છે. આ તબક્કામાં જે આઠ મંત્રીઓના ભાવિનો ફેંસલો થશે તેમાં ભાજપના ડો.પ્રેમકુમાર અને જેડીયુના કૃષ્ણનંદન વર્મા મુખ્ય ઉમેદવાર છે. પહેલા તબક્કામાં આરજેડીના 42, જેડીયુના 35, બીજેપીના 29, કોંગ્રેસના 21 ઉમેદવારો મેદાનમાં છે.

    બિહાર વિધાનસભા ચૂંટણીની 243 બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે એટલે કે આજે થઈ રહ્યું છે. જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. આ માટે નોટિફિકેશન એક ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે.

   ચૂંટણી પંચે જણાવ્યું કે કોરોનાકાળમાં ચૂંટણી થઈ રહી હોવાથી ખુબ તૈયારીઓ કરાઈ છે. એક બૂથ પર એક હજાર મતદારો મતદાન કરી શકશે. પોલિંગ બૂથ પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. કોરોનાકાળમાં આ સૌથી મોટી ચૂંટણી છે. 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા સૂચિ જાહેર થઈ હતી.

    ચૂંટણી પંચે જણાવ્યું કે આ વખતે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાકાળમાં નવા સુરક્ષા ધોરણો સાથે ચૂંટણી થશે. બિહારમાં 7.79 મતદારો છે જેમાં 3.39 મહિલા મતદારો છે. વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે.