ઇન્ડિયન પ્રીમિયર લીગ રાઉન્ડમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે અંતિમ મેચ રમાશે. પ્લે ઓફમાં પહોચવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ જીતવી જરૂરી છે. બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ પહેલા જ ક્વોલિફાય કરી ચુકી છે. જો સનરાઇઝર્સ હૈદરબાદ આ મેચ હારી જશે. તો કોલકાતા નાઇટ રાઇડર્સ સીધી પ્લે ઓફમાં પહોચી જશે. મહત્વપૂર્ણ છે કે IPL 2020 પ્લે ઓફમાં મુંબઇ ઇન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગુલુરૂ પહોચી ચુકી છે. એક સ્થાન માટે બે ટીમ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે.

    મુંબઇ ઇન્ડિયન્સ રેગ્યુલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં પણ સારૂ પ્રદર્શન કરી રહી છે. રોહિત શર્મા ઇજાગ્રસ્ત હોવાથી તેની જગ્યાએ કિરોન પોલાર્ડ ટીમની કમાન સંભાળી રહ્યો છે. ચાર વખત આઇપીએલનો ખિતાબ જીતી ચુકેલી મુંબઇ ઇન્ડિયન્સ ફુલ ફોર્મમાં છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદનો મદાર તેના બેટ્સમેનો પર છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં ડેવિડ વોર્નર, કેન વિલિયમસન, જોની બેરિસ્ટો અને રાશિદ ખાન ઓવરસીસ પ્લેયર પર નજર રહેશે. જ્યારે હૈદરાબાદમાં મિડલ ઓર્ડરમાં મનિષ પાંડે પર ટીમને આગળ લઇ જવાનો દારોમદાર છે.

   મુંબઇ ઇન્ડિયન્સને આ મેચ હારવાથી કોઇ ફરક પડવાનો નથી પણ સનરાઇઝર્સ હૈદરાબાદ જો મેચ હારી ગયુ તો તેની આઇપીએલની આ સીઝન અહી જ પૂર્ણ થઇ જશે. મુંબઇ ઇન્ડિયન્સ પોઇન્ટ ટેબલમાં અત્યારે 13 મેચમાં 18 પોઇન્ટ સાથે ટોપ પર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 13 મેચમાં 12 પોઇન્ટ સાથે પાંચમા નંબર પર છે.

   મુંબઇ ઇન્ડિયન્સના ડી કોક, ઇશાન કિશન અને સૂર્યકુમાર ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ક્વિન્ટન ડી કોકે આઇપીએલની આ સીઝનમાં સૌથી વધુ રન ફટકાર્યા છે. ડી કોકે 13 મેચમાં 418 રન બનાવ્યા છે અને તે સૌથી વધુ રન મામલે 10માં નંબર પર છે. જ્યારે ઇશાન કિશને 11 મેચમાં 395 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવ પણ સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સૂર્યકુમાર યાદવે 13 મેચમાં 374 રન બનાવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદમાં કેપ્ટન ડેવિડ વોર્નર સારા ફોર્મમાં છે. ડેવિડ વોર્નરે 13 મેચમાં 444 રન બનાવ્યા છે. જ્યારે મનિષ પાંડેએ 13 મેચમાં 380 રન બનાવ્યા છે. જ્યારે જોની બેરિસ્ટોએ 11 મેચમાં 345 રન બનાવ્યા છે.

   બોલિંગની વાત કરીએ તો મુંબઇ ઇન્ડિયન્સના જસપ્રિત બુમરાહ સારા ફોર્મમાં છે. બુમરાહે 13 મેચમાં 23 વિકેટ પોતાના નામે કરી છે. બુમરાહ આ સીઝનમાં આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેવા મામલે બીજા નંબર પર છે. પ્રથમ નંબરે દિલ્હી કેપિટલ્સનો કાગિસો રબાડા 25 વિકેટ સાથે ટોપ પર છે. ટ્રેન્ટ બોલ્ટે પણ 13 મેચમાં 20 વિકેટ ઝડપી છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં વિશ્વનો નંબર વન સ્પિનર રાશિદ ખાન તરખાટ મચાવી રહ્યો છે. રાશિદ ખાને 13 મેચમાં 18 વિકેટ ઝડપી છે જ્યારે ટી નટરાજને 13 મેચમાં 14 વિકેટ પોતાના નામે કરી છે.

   મુંબઇ ઇન્ડિયન્સ પ્લે ઓફમાં પહોચી ગઇ છે અને તેનો પ્લે ઓફમાં મુકાબલો 5 નવેમ્બરે દિલ્હી કેપિટલ્સ સામે થશે. મુંબઇ ઇન્ડિયન્સ પોતાના ઇન ફોર્મ ખેલાડીઓને આરામ આપીને બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી શકે છે.