ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને ગણિતના અધ્યાપક ફાધર વાલેસનું ૯૫ વર્ષની વયે સ્પૅનમાં નિધન થયુ છે. જન્મ ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ સ્પેનના લોગ્રોનોમાં થયો હતો. પરંતુ ગુજરાતીઓ અને ગુજરાતી ભાષા પ્રત્યે અપાર પ્રેમ હતો. ૧૯૪૫માં સલામાન્કા યુનિવર્સિટીમાંથી ગ્રીક વિષય સાથે B.A ૧૯૪૯માં ગ્રેગોરિયન યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષય સાથે B.A અને ૧૯૫૩માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં M.Aનો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૦થી ૧૯૮૨ દરમ્યાન અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ ગણિતશાસ્ત્રના અધ્યાપક પણ તેઓ રહ્યા.

     ફાધર વાલેસ જ્યારે ૧૦ વર્ષની ઉંમરના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. સ્પેશીન આંતરવિગ્રહના કારણે ઘર છૂટી ગયું હતું. અને તેઓ ચર્ચમાં શરણાર્થી તરીકે રહ્યા હતા. ૧૫ વર્ષની વયે તેમણે દીક્ષા લીધી અને ૧૯૪૯માં તેઓ ભારત આવ્યા. ત્યારબાદ તેમણે ૧૯૭૩માં તેમણે અમદાવાદની પોળોમાં વિહારયાત્રાની શરૂઆત કરી અને પરિવારો સાથે રહીને ‘રખડતા મહેમાન’ તરીકે રહ્યા. તેમણે અંગ્રેજી ભાષામાં 70થી વધુ પુસ્તકો લખ્યા છે જ્યારે ૨૫થી વધુ પુસ્તકો ગુજરાતી ભાષામાં લખ્યા છે.

     સ્પૅનમાં ૪ નવેમ્બર ૧૯૨૫ના રોજ જન્મેલા ફાધર વાલેસ પાંચ દાયકા ભારતમાં રહ્યા, ગુજરાતીને ‘માતૃભાષા ગણાવી’ સાહિત્ય રચ્યું હતું. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી અમદાવાદમાં ગણિતશાસ્ત્રના પ્રોફેસર રહ્યા. તેમણે જીવન ઘડતરના ધ્યેયથી સદાચાર, તરુણાશ્રમ, ગાંધીજી અને નવી પેઢી, ભાષા જાય ત્યાં સંસ્કૃતિ જાય વગેરે સંખ્યાબંધ નિબંધસંગ્રહો આપ્યાં છે. ઉપરાંત એમણે ભાષાના વ્યવહારમાં શબ્દોના વિનિયોગ વિશે ચિંતન કરતો ગ્રંથ શબ્દલોક આપણને આપ્યો છે. તેમને વર્ષ ૧૯૬૬માં તેમને કુમારચંદ્રક અને વર્ષ ૧૯૭૮માં રણજિતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરાયા હતા. આવા આપણા લોક લાડીલા અને ગુજરાતી સાહિત્ય જગતમાં ‘સવાયા ગુજરાતી સાહિત્યકાર’નું બિરુદ પામેલા ફાધર વાલેસની ગુજરાતી સાહિત્યમાં હંમેશા ખોટ વર્તાશે.