વાંસદા: આ વર્ષે દીપોત્સવીના મહાપર્વમાં તિથિઓના લીધે એક દિવસે બે-બે પર્વ આવતા હોય સ્થાનિક કયા દિવસે કયા પર્વની ઉજવણી કરવી એ માટે ગૂંચવાયા છે. આ વર્ષે કાળી ચૌદશ અને દિવાળીની તિથિ એક જ દિવસે છે. જ્યારે નવા વર્ષના પ્રથમ દિવસે સોમવારે બેસતું વર્ષ અને ભાઇબીજ એક જ દિવસે આવે છે. આ બધા દિવસોમાં બપોર સુધી એક તિથિ અને બપોર બાદ બીજી તિથિ એમ યોગ આવે છે. શનિવારે આસો વદ ચૌદશના દિવસે બપોરે ૨:૨૦ સુધી ચૌદશ છે. ત્યારબાદ અમાસ છે. આથી બપોરના ૨:૨૦ સુધી કાળીચૌદશ ત્યારબાદ દીપાવલી મનાવાશે.

    ઉલ્લેખનીય કોરોનાકાળમાં આ પ્રથમ તહેવાર એવો છે કે જેમાં સરકારની ખાસ કોઇ પાબંધી નહીં હોવાથી શહેરીજનોમાં ઉજવણીનો થનાગનાટ જોવા મળી રહ્યો છે. છેલ્લે છેલ્લે પણ રોશની અને આતશબાજીના અવાજથી  શહેરનો મનપસંદ માહોલ સર્જાયો હતો.

    આપણા શાસ્ત્રો મુજબ સવારના સૂર્યોદયથી રાત્રિના 8:10 સુધી સ્વાતિ નક્ષત્ર છે. આથી ચોપડા પૂજન સ્વાતિ નક્ષત્રમાં કરવું ઉત્તમ ગણાય છે. તેથી શનિવારે સવારના પણ ચોપડા પૂજન કરી શકાય છે. તથા શનિવારે સવારે કાળીચૌદશ હોવાથી આ દિવસે સવારે અથવા બપોરે હનુમાનજીનું પૂજન, હનુમાન ચાલીસાના પાઠ, સુંદરકાંડના પાઠ કરવાથી જીવનનાં કષ્ટો દૂર થશે. મિથુન, તુલા રાશિ તથા કુંભ રાશિના જાતકોને લોઢાને પાયે પનોતી ચાલે છે. આથી તેઓએ આ દિવસે ખાસ હનુમાનજીની ઉપાસના કરવીની સલાહ આપે છે.

    રવિવારે તિથિ મળતી ન હોવાથી પડતર દિવસ એટલે કે ધોકાનો રહેશે. જ્યોતિષશાસ્ત્રની માન્યતા અનુસાર પડતરના દિવસે નવા વર્ષના વેપાર-ધંધાનું મુહૂર્ત કરવાનું અશુભ માનવામાં આવે છે. આ દિવસે મુહૂર્ત કરવાથી ધંધામાં બરકત રહેતી નથી. હિંદુ પંચાંગ મુજબ નવું વર્ષ ૧૬મીએ સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જો કે, આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે. વિક્રમ સંવત ૨૦૭૭ના નવા વર્ષ અને ભાઇ બીજની ઉજવણી એકસાથે થશે.

     બ્રહ્મપુરાણ પ્રમાણે દિવાળીની રાત્રે લક્ષ્મીજી સ્વયં લોકોના ઘરમાં પધારે છે. આથી જે લોકો ચોપડા પૂજન કરે છે અને પોતાનું ઘર સ્વચ્છ રાખે છે, તેને ત્યાં લક્ષ્મીજીનો વાસ થાય છે. દિવાળીના ચોપડા પૂજનમાં કલમ એટલે કે પેનને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવી. મહાલક્ષ્મીજીનો સિક્કો ચોપડા ઉપર રાખી પૂજન કરવામાં આવે છે અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે કરવામાં આવે છે. આમ, ચોપડા પૂજનમાં મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. આ વર્ષમાં એક વખત આવતા દિવાળીના તહેવારને મનભરી માનવાનો નિર્ણય લીધો છે.