ભારતીય ક્રિકેટ ટીમના સૌથી શક્તિશાળી બેટ્સમેનમાંથી એક યુસુફ પઠાણનો આજે જન્મદિવસ છે. વડોદરામાં જન્મેલા આ ખેલાડી આજે ૩૮ ના થયા છે. તેમની પ્રતિભા મુજબ, યુસુફ પઠાણની કારકિર્દી લાંબી ચાલી ન હતી, પરંતુ તેની ટૂંકી કારકિર્દીમાં તેણે ૨ વર્લ્ડ કપ જીત્યા હતા. યુસુફ પઠાણ ૨૦૦૭ ની ટી ૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યો છે. ૨૦૧૧ ના વર્લ્ડ કપમાં જીત મેળવ્યા બાદ સચિનને ​​તેના ખભા પર યુસુફ પઠાણે ઉંચા કર્યા હતા તેના દ્રશ્યો આજે પણ આપણી નજરો સમક્ષ તરોતાજા છે.

    યુસુફ પઠાણનો જન્મ વડોદરાના ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ગરીબી એવી હતી કે ખેલાડીના ઘરે શૌચાલય પણ બનાવવામાં આવ્યું ન હતું. જો કે, આ ગરીબી યુસુફ અને તેના નાના ભાઈ ઇરફાનની પ્રતિભાને રોકી શકી નહીં. યુસુફ પઠાણ તેના ભાઈ ઇરફાન સાથે મસ્જિદના આંગણામાં ક્રિકેટ રમતો હતો. જોત જોતામાં બંને ભાઈઓએ ટીમ ઈન્ડિયા સપનાં પણ સાકાર કરી લીધા.

    ભારતીય ક્રિકેટમાં યુસુફ પઠાણને સૌથી દિગ્ગજ ખેલાડી માનવામાં આવે છે. આઈપીએલની IPL પહેલી સિઝનમાં યુસુફ પઠાણે મુંબઈ ઈન્ડિયન્સ સામે માત્ર ૩૭ બોલમાં સદી ફટકારી હતી. તેનો રેકોર્ડ ૪ સીઝન સુધી અકબંધ રહ્યો હતો કારણ કે ક્રિસ ગેલે ૨૦૧૩ પછી યુસુફનો રેકોર્ડ ફક્ત ૩૦ બોલમાં તોડ્યો હતો. જોકે યુસુફ હજી પણ આઈપીએલમાં IPLસૌથી ઝડપી ભારતીય ખેલાડી તરીકે અંકબંધ છે.

    ૨૦૦૭ ની ટી ૨૦ વર્લ્ડ કપ ફાઇનલ પહેલા વિરેન્દ્ર સહેવાગને ઈજા થઈ હતી અને એમએસ ધોનીએ યુસુફ પઠાણને તક આપી હતી. શરૂઆતના સમયે ધોનીએ યુસુફ પઠાણને ઉતાર્યો હતો અને આ ખેલાડીએ માત્ર ૮ બોલમાં ૧૫ રન ફટકારીને ટીમ ઈન્ડિયાને સારી શરૂઆત આપી હતી.

    યુસુફ પઠાણે તેની કારકિર્દીમાં ૪૧ વનડે મેચમાં ૮૧૦ રન બનાવ્યા હતા. જેમાં તેના નામમાં ૨ સદી અને ૩ અડધી સદીનો સમાવેશ છે. યુસુફ પઠાણે ભારત માટે ૧૮ ટી ૨૦ ઇનિંગ્સમાં ૧૪૬.૫૮ ના સ્ટ્રાઇક રેટથી ૨૩૬ રન બનાવ્યા હતા. આ સિવાય યુસુફે વનડેમાં ૩૩ વિકેટ અને ટી ૨૦ માં ૧૩ વિકેટ પણ લીધી હતી. યુસુફ પઠાણે ભાઇ ઇરફાન પઠાણની સાથે ૨૦૧૪માં પઠાણસ ક્રિકેટ એકેડેમી શરૂ કરી હતી. ગ્રેગ ચેપલ આ એકેડેમીના કોચ છે. વર્ષ ૨૦૧૩ માં, યુસુફ પઠાણે ફિઝીયોથેરાપિસ્ટ આફરીન સાથે લગ્ન કર્યા. યુસુફ પઠાણને અયાન નામનો એક પુત્ર છે.