વલસાડ: ચીખલી સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ આલીપોર વસુધારા ડેરીમાં જે કર્મચારીઓ તેમજ અધિકારીઓ નિવૃત્ત થયા પછી પણ વસુધારા ડેરીની ઓફિસમાં તેમજ ફિલ્ડમાં ફરજ બજાવી લાખો રૂપિયાનો પગાર અને ડેરીની અન્ય સગવડો મેળવતા હોય જે બાબતની લેખિત રજૂઆત મહિલાઓ સંચાલિત મજીગામ દૂધ ઉત્પાદક મંડળી લિ. ના મહિલા પ્રમુખ સ્નેહાબેન સિદ્ધાર્થભાઈ દેસાઇએ કરતાં સહકારી આલમ સાથે દૂધ ઉત્પાદકો અને ગ્રામ્યવિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. અને જેમણે વસુધારા ડેરીમાં ચાલતા અન્ય વહીવટ બાબતે પણ રજૂઆત કરતાં સહકારી આલમમાં જે મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બનવા સાથે ભારે ચર્ચાસ્પદ બનવા પામ્યો છે.

સ્થાનિક મહિલાઓ સંચાલિત મજીગામ દૂધ ઉત્પાદક મંડળી લિ તા. ચીખલીના પ્રમુખ સ્નેહાબેન સિદ્ધાર્થભાઈ દેસાઇએ વસુધારા ડેરીના ચેરમેન તથા બોર્ડના પ્રતિનિધિઓને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યુ છે કે વસુધારા ડેરી આલીપોરમાં પ્રાથમિક મંડળીઓના ભોગે મનસ્વી રીતે ડેરીમાંથી નિવૃત્ત થતાં કેટલાક કર્મચારીઓને તેમજ અધિકારીઓને સહકારી કાયદા તેમજ સંઘના પેટા કાયદા વિરુદ્ધ નિવૃત્ત થયા બાદ પણ નોકરી ઉપર વસુધારામાં લેવામાં આવી રહ્યા છે. અને લાખો રૂપિયા પગાર સાથે જેઓ સંસ્થાની અન્ય સુવિધાઓ પણ ભોગવી રહ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં બીજી ડેરીઓ પણ સારી રીતે ચાલે જ છે. સૌથી વધુ વહીવટી ખર્ચ વસુધારા ડેરીનો છે. બાજુની સુમુલડેરી વસુધારા ડેરી કરતાં વધુ ભાવ આપતા નવસારી જિલ્લાના કેટલાક ગામોના પશુપાલકોએ ના છૂટકે ઘરઆંગણે ગામમાં ડેરી હોવા છતાં સુમુલ ડેરીમાં દૂધ આપવા મજબૂર થયા છે.

ડેરીના વહીવટમાં વ્યાપક પ્રમાણમાં ફરિયાદો સંભળાઈ રહી છે. તે જોતાં કાર્ય વિસ્તારના લાયકાત ધરાવતા ખેડૂતોના કેટલાય દીકરા દીકરીઓને નોકરીએ રાખી શકાય સહકારી કે અન્ય કાયદા કે પેટાનિયમ વિરુદ્ધ કરેલ આર્થિક વ્યવહારોની જવાબદારી કોની જે જાણવા ૬ જેટલા અન્ય કારણો દર્શાવી જે બાબતની માહિતી સાથે પુરાવાઓની માંગણી કરવામાં આવતા ડેરી વર્તુળમાં સહિત ગ્રામ્ય પશુપાલકો, દૂધ ઉત્પાદકો અને ગ્રામ્ય ડેરી સહિત સહકારી આલમમાં ખળભળાટ મચવા પામ્યો છે.