કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા, ત્યારથી તેઓ કોરોના વાઈરસ સામે લડત આપી રહ્યા હતા, પરંતુ આજે સવારે 3.30 વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.

ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. રાહુલ ગાંધીએ પણ અહેમદ પટેલના નિધનને લઈને શોક વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ પાર્ટીનાં ‘ચાણક્ય’ ગણાતા અહેમદ પટેલનો ગુજરાત સાથે પહેલાથી જ સંબંધ રહ્યો છે. માનવામાં આવે છે કે, અહેમદ પટેલ દિલ્હીમાં રહેતા નહીં તો પોતાના ગામ પીરામણમાં રહેતા. અહીંના લોકો પણ તેમને ઘણું માનતા હતા. તેમણે પીરામણને ડિજિટલ કમ મોડલ ગામ બનાવવા માટે ઘણું કામ કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલ નિધન પર ટ્વીટ કર્યું હતું કે, અહેમદ પટેલજીના નિધનથી દુઃખી છું. તેમણે વર્ષો સુધી જાહેર જીવનમાં રહીને લોકોની સેવા કરી છે. તેઓ પોતાના બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જાણીતા હતા અને કૉંગ્રેસ પાર્ટીને જે રીતે તેમણે મજબૂત કરી હતી તે વાત હંમેશા યાદ રહેશે. તેમના પુત્ર ફૈઝલ સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી છે. તેમની આત્માને શાંતિ મળે.

રાહુલ ગાંધીએ કહ્યું, આજે દુખદ દિવસ છે. અહેમદ પટેલ કોંગ્રેસ પાર્ટીના સ્તંભ હતા. તેઓ હંમેશા પાર્ટીના મુશ્કેલ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા હતા. હંમેશા તેમની કમી મહેસૂસ થશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નિધન બાદ કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ શોક વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યુ હતુ કે, અહેમદ પટેલના નિધનના કારણે મે એક મિત્ર અને વફાદાર સાથી ગુમાવ્યા છે. મે એક એવા સાથીને ગુમાવ્યા છે કે જેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. આ સાથે સોનિયા ગાંધીએ તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર પણ રહ્યા. તેઓ કોંગ્રેસના ખજાનચી પણ હતા.