આપણા દેશો-વિદેશોમાં મહિલાઓના અધિકારો માટે આંદોલનો થયા અને કરવા પડયા એ બધું જ લેખનમાં લખાયેલ લેખોમાં જોયું-જાણ્યું. અને લોકો પાસેથી સાંભળીયુ ત્યારે સમજાયું કે આપણને બંધારણ આપનારા આપણા પૂર્વજો કેટલો સંઘર્ષ કર્યો હશે મહિલાઓને અધિકારો અપાવવામાં એ મહાન ચારિત્ર્યવાન લોકો પ્રત્યે આદર-સન્માન આપી ગર્વ અનુભવાય છે.

આજના ભારતીય બંધારણ દિવસે બંધારણ અને મહિલાઓના સંદર્ભે થોડી વાતો આગળ પાછળની કરીએ. માનવીના માનવીય મૂલ્યોને બનાવી રાખવા અને સંવારવામાં નારીનું યોગદાન અત્યંત મહત્ત્વપૂર્ણ જ નહીં, અતિ આવશ્યક છે. માનવજાતિના ઉદભવના સમયથી નારીની સ્થિતિમાં ઉતાર ચઢાવ આવતા જ રહ્યાં. સદીઓથી ચાલ્યું આવતું નારીનું શોષણ સાંપ્રત સમયે પણ યેનકેન પ્રકારે ચાલુ જ છે.

હિન્દુ સમાજમાં શુદ્ર તથા સ્ત્રીને સદૈવ બીજા દરજ્જાના નાગરિક તરીકે માનવામાં આવ્યા છે. દેશ તથા વિદેશમાં પોતાની સ્વતંત્રતા સાથે જ મનુષ્યને થતાં અન્યાય, દમન અને શોષણ તથા અસમાનતા સામે સંઘર્ષ કરી રહ્યા હતા. ત્યારે નારીનું શોષણ તો ક્યાંય કોઈથી છૂપું નથી. અત્યંત દયનીય સ્થિતિમાંથી તેને ઉગારવાના અનેક સમાજ સુધારકોએ પ્રયત્ન કર્યા.જેમાં રાજા રામમોહનરાય તથા સ્વામી દયાનંદ સરસ્વતીના નામો ઉલ્લેખનીય છે. નારી ઉત્થાનના પ્રથમ પ્રણેતા જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈએ અનેક કષ્ટો ઉઠાવીને નારી શિક્ષણનો માર્ગ ખુલ્યો કર્યો. આ દંપતીના પ્રયાસોના પરિણામે સમાજ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનનો શુભારંભ થયો. ભારતના સંપૂર્ણ સમાજને વિચારશક્તિ ચિંતનશક્તિ પૂરી પાડવામાં તેમનો ફાળો અનન્ય રહ્યો છે.

ભારતવર્ષમાં અનેક મહાન વિભૂતિઓ થઈ ગઈ નારીની હૃદય વિદારક સ્થિતિ જોઈ એ દિશામાં કર્યો જરૂર થયા. અલબત્ત, નારી જાતિનો ઉદ્ધાર અને કલ્યાણનું બીડું તો જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફૂલે પછી બાબાસાહેબ આંબેડકરે જ ઉઠાવ્યું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઇતિહાસને ટાંકતા કહ્યું છે કે, ‘સમયે સમયે આપણા દેશની મહિલાઓએ સિદ્ધ કરી બતાવ્યું છે કે, તેઓ માત્ર ઘરમાં જ નહીં પરંતુ રણભૂમિ સુધી પણ કોઈપણ બાબતમાં પુરુષો કરતાં ઊતરતી કક્ષાની નથી.’ તેઓ ઈચ્છતા હતા કે મહિલાઓમાં સાહસ અને બુદ્ધિક્ષમતાનો વિનિયોગ થાય. જેથી તેઓ પોતાના પ્રશ્નો ઉપરાંત બહારની સાંપ્રદાયિક બાબતોનો પણ ઉકેલ લાવી શકે. જે વિચાર તેમણે હિન્દુ કોડબિલની ચર્ચામાં સ્પષ્ટ કર્યો છે. હિન્દુ કોડબિલ ખાસ કરીને સ્ત્રીમુક્તિ માટે જ હતું. નારીને જે ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે તેને નાબૂદ કરીને ‘સ્ત્રી પણ એક મનુષ્ય છે’ એવી માનસિકતાનો વિકાસ થાય તે પ્રકારના તેમના પ્રયત્નો હતા. સંકીર્ણ રૂઢિઓ અને અન્યાયપ્રેરક અમાનવીય વ્યવસ્થાઓના સ્થાન પર સમતા, ન્યાય, સમૃદ્ધિ અને સુરક્ષાની વ્યવસ્થા ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંવિધાન શિલ્પીના રૂપમાં પ્રદાન કરી.

બાબાસાહેબે ધર્મ શાસ્ત્રોમાં સંશોધનની આવશ્યકતા પર અત્યાધિક જોર આપ્યું છે. હિન્દુ સમાજમાં એક સમાન વ્યક્તિગત કાનૂન નથી જો ‘પર્સનલ લો’ બનાવવામાં આવે તો હિન્દુ નારીનું બધી બાજુએથી થતું શોષણ બંધ કરાવી શકાય… આ દ્રઢ નિશ્ચય સાથે બાબાસાહેબે ‘હિન્દુ કોડબિલ’ની ગૃહમાં પાસ કરવાની તૈયારી કરી.સંવિધાનમાં નારીને દરેક ક્ષેત્રમાં સમાનતા આપવામાં આવી. શિક્ષણ, પિતાની સંપત્તિમાં અધિકાર,પતિની સંપત્તિમાં અધિકાર, વ્યવસાયમાં સમાન ભાગીદારી, કામની સમયાવધિ સુનિશ્વિત કરવી, વિધવા, ત્યકતા, લગ્નવિચ્છેદ, પ્રસુતિ વગેરેમાં નારીને સમાન અને સ્વાભિમાનથી જીવવાનનો રાહ ‘ હિન્દુ કોડબિલ ‘ દ્વારા તૈયાર થયો. રૂઢિવાદીઓને કારણે ‘ હિન્દુ કોડબિલ’ એ સમયે પસાર ન થયો.

પરંતુ સમયે-સમયે વિભિન્ન રીતે અધિનિયમ બનતા ગયા જેના થકી નારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસની તકો પ્રાપ્ત થઈ. વિશ્વના કેટલાય દેશોમાં મહિલાઓને મતદાનનો અધિકાર પ્રાપ્ત ન હતો તે સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકર મહિલાઓની સ્વતંત્રતા અને સમાનતા માટે કટિબદ્ધ હતા. સંવિધાનમાં વ્યવસ્થા પણ કરવામાં આવી કે લિંગના આધાર પર કોઇપણ જાતનો ભેદ-ભાવ નહીં કરવામાં આવે. આ વ્યવસ્થાના આધાર પર મહિલાઓને ન કેવળ મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો બલ્કે પુરુષોની જેમ જ પોતે ઉમેદવાર બની ચૂંટણી પણ લડી પોતાની યોગ્યતા, પ્રતિભાનો પરિચય કરાવી શકે છે .

મહિલાઓને સામાજિક આર્થિક સ્થિતિ સુધારણા માટે પ્રથમ કાનૂનમંત્રી તથા વાઇસરૉયના કાઉન્સિલ લેબરના મંત્રી તરીકે ડૉ. બાબાસાહેબે ઉલ્લેખનીય કાર્ય કર્યા. સંવિધાનના અનુચ્છેદ ૧૫ માં ભારતનું સંવિધાન સ્ત્રીઓને સમાનતા અપાવવામાં માને છે. નારી સમાનતા, નારી કલ્યાણ માટે અને કાનૂન કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોએ બનાવ્યા છે. જેનાથી સામાજિક કુરીતિ, કુરિવાજ નાબૂદ કરવામાં સહાય મળી છે.

દહેજ, બાળવિવાહ, દૈહિક શોષણ વગેરે રોકવા કાનૂન બન્યા છે. આ બધા જ અધિકાર દરેક સમાજની મહિલાઓ માટે બનાવાયા પરિણામે ભારતીય નારી પોતાના અધિકારો સાથે સન્માનપૂર્વક જીવન જીવી શકે છે. વિધવા સ્ત્રીને પહેલાની માફક ઉપેક્ષિત ,પીડિતા થઇને પોતાનું જીવન વ્યતિત કરવું પડતું નથી. તે જીવનપર્યંત એ સંપત્તિની અધિકારી છે જે એના પતિના હિંસાથી પ્રાપ્ત થઇ છે. મહિલાઓને સરકારી નોકરીમાં આવવાનો અવસર યોગ્યતાના આધારે પ્રદાન થયો.

સમાજમાં લગ્ન વ્યવસ્થા થવા પહેલાં અને પછી વિવિધ રૂપમાં નારીના શોષણને સામાજિક માન્યતા મળી હતી. ચાહે તે નિયોગની વ્યવસ્થા હોય કે દેવદાસી પરંપરા અથવા વેશ્યાવૃત્તિ હોય જેણે નારીને ભોગ્યા બનાવી મૂકી. સદીઓ સુધી સમાજે એક તરફ પુરુષને અનેક પત્નીઓ રાખવાનો અધિકાર આપ્યો ત્યારે સ્ત્રીઓની વિધવા થવા પર બીજા લગ્નનો અધિકાર સુદ્ધાં ન આપ્યો. સદીઓથી ચાલ્યા આવતા આ સામાજિક અન્યાયના કલંકને ભારતીય સમાજના માથા પરથી મૂળ સાથે ખતમ કરવાનો શ્રેય ભારતના સંવિધાનને ફાળે જાય છે.

ડૉ. બાબાસાહેબે મહિલાઓને ઉદ્દેશીને કહ્યું છે કે સમાજમાં ઘર કરી બેઠેલી નુકસાનકારક રૂઢિઓ અને રિવાજોને નાબૂદ કરી તમે મહાન સેવા કરી છે. તમારી પ્રગતિ વિશે મને સંતોષ છે. દુર્ગુણોથી દૂર રહો, સ્વચ્છતાથી રહેતા શીખો, તમારી સંતતિને શિક્ષણ આપો અને તેમની મહત્વકાંક્ષાઓને જાગૃત કરો કે તમે જગતમાં મહાન થવા નિર્માયા છો. બાળકોના મનમાં ઉચ્ચ વિચારોના સંસ્કાર રેડો. તેમના મનમાંથી લઘુતાગ્રંથિની ભાવના દૂર કરો .લગ્ન કરવામાં ઉતાવળ કરશો નહીં લગ્ન એ એક જવાબદારી છે. તમારા સંતાનો એ જવાબદારી આર્થિક દ્રષ્ટિએ ઉપાડવા જ્યાં સુધી શક્તિશાળી નથી ત્યાં સુધી એ જવાબદારી તેમના પર લાદવી યોગ્ય નથી લગ્ન કરનાર વ્યક્તિએ ધ્યાનમાં રાખવું જોઈએ કે વધુ સંતાનોને જન્મ આપવો એ પાપ છે. જીવનમાં પોતાના કરતા ઉપલા સ્તરે પ્રત્યેક સંતાનને તેના જીવનનું પ્રારંભ કરી આપવો એ પ્રત્યેક મા-બાપનું કર્તવ્ય છે.

નારી સમતા અને સ્વતંત્રતાના પ્રબળ પક્ષપાતી ડૉ. આંબેડકરે આપણા દેશના સંવિધાનમાં બધાં જ અધિકાર- અધિનિયમ બનાવી આપ્યા જેનાથી સ્ત્રી સમતા અને સ્વતંત્રતા પૂર્વકનું જીવન જીવી શકે. અલબત્ત, કડવું સત્ય એ છે કે સમાજ આ અધિકારો આસાનીથી ભોગવવા દે એમ નથી. આવશ્યકતા એ છે કે આ અધિનિયમોના આધાર પર પોતાના અધિકારને પામવો. આજના દિવસે ડૉ. બાબાસાહેબના વિચારો થકી એમની સાચી ઓળખ મેળવીએ, એમનાં વિચારોને સમાજમાં પ્રસરાવીએ, સ્વીકારીએ. આપણે સૌ આ મહાન પુરુષને મર્યાદિત વર્ગના નેતા ઘણી એમનું અવમૂલ્યન કરવાનું છોડી, સર્વસ્વીકૃત નેતા તરીકે સ્થાપિત કરીએ એ જ એમની પ્રતિભાનું સાચું સન્માન છે. ( લેખકના સ્વતંત્ર વિચાર છે )

BY ડૉ. આશા ગોહિલ. વલસાડ