ગુજરાતમાં બેરોજગારીને લઇને યુથ કોંગ્રેસની બેરોજગાર યાત્રા નીકળી હતી. યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. થરાદના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડેન્ટ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં યુથ કોંગ્રેસની બેરોજગાર યાત્રાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બેરોજગાર યાત્રાને લઇને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે પ્રદર્શન કરતા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. આ દરમિયાન કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી હતી.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ કહ્યુ કે, ગુજરાતમાં લાખો યુવાનો બેકાર છે છતા આ આંધળી, બેરી, મૂંગી, સરકાર યુવાનોને રોજગાર આપવામાં નિષ્ફળ નીવડી છે. છેલ્લા કેટલાય સમયથી ભરતીઓ કરવામાં નથી આવી. રાજ્યમાં ઠેર ઠેર અનેક જગ્યાએ યુથ કોંગ્રેસ દ્વારા રોજગાર યાત્રા કાઢવામાં આવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોને રોજગાર આપવામાં આવે /તાત્કાલિક ભરતીઓની જાહેરાતની માંગ કરવામાં આવી હતી.