એજન્સી.

દિલ્હી હાઇકોર્ટે આજે વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી પર સુનવણી હાથ ધરી હતી. આ દરમિયાન અરજદારે કહ્યું હતું કે, યુરોપ અને અમેરિકામાં વોટ્સએપની પોલિસી સ્વીકારવા કે અસ્વીકાર માટે વિકલ્પ આપવામાં આવે છે. પરંતુ ભારતમાં આવો કોઇ વિકલ્પ આપવામાં આવ્યો નથી. જે અંગે કોર્ટે કહ્યું હતું કે, તમારી પાસે વિકલ્પ છે કે તમે એપનો ઉપયોગ ન કરો. કોર્ટે કહ્યું કે, આ એક પ્રાઇવેટ એપ છે. જો તમારી ગોપનીયતા પ્રભાવિત થઇ રહી છે તો તમે વોટ્સએપ ડિલીટ કરી દો. અરજદારે કહ્યું કે, વોટ્સએપ વિશ્વ સ્તરે માહિતી શેર કરે છે. જે કંઇ પણ તે અમારી પાસેથી ભેગું કરે છે તે શેર કરવામાં આવે છે.

કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, આમાં બે વસ્તુ છે. એક તો તમારા વ્યક્તિગત મેસેજને જોવા અથવા શેર કરવામાં આવે. જ્યારે બીજી વાત કે તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રી શેર કરવામાં આવે. આ અંગે વકીલે કહ્યું કે, તે બ્રાઉઝિંગ હિસ્ટ્રીનું વિશ્લેષણ કરે છે અને ઉપયોગ કરનારા અંગે એક મત બનાવે છે અને તેને શેર કરે છે. આ અંગે કોર્ટે કહ્યું કે, બધી એપ્સ આવું કરે છે.

માહિતી પ્રસારણ મંત્રાલય તરફથી રજૂ થયેલા એએસજી ચેતન શર્માએ કોર્ટને કહ્યું કે, આ મુદ્દે વિશ્લેષણ કરવાની જરૂર છે. સુનવણી દરમિયાન વોટ્સએપનો પક્ષ રાખી રહેલાં મુકુલ રોહતગીએ કહ્યું કે, હું એ સબમિટ કરી રહ્યો છું કે એપનો ઉપયોગ કરવો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ મામલે વધુ સુનવણી 25મી જાન્યુઆરીએ હાથ ધરાશે.