ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી અને છેલ્લી ટેસ્ટ રોમાંચક સ્તરે પહોંચ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક જીત મેળવી લીધી છે. 328 રનનો ટાર્ગેટનો પીછો કરતાં ટીમ ઈન્ડિયા તરફથી શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા અને ઋષભ પંતની અડધી સદીને કારણે ઓસ્ટ્રેલિયા સામે જોરદાર પડકાર આપી ચોથી ટેસ્ટ અને સીરીઝ પોતાના નામે કરી દીધી છે. ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફીને 2-1થી જીતીને કાંગારૂની આકાંક્ષાઓ પર પાણી ફેરવી દીધું છે. મહત્વનું છે કે, ભારતના 10થી વધારે ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવા છતાંય આ જીત ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે.

કેપ્ટન અજિંક્ય રહાણેની કેપ્ટન્સીના પણ વખાણ કરવામાં આવી રહી છે. વિરાટ કોહલી પહેલી ટેસ્ટ બાદ પેટરનીટી લીવ પર ગયા બાદ ટીમ ઈન્ડિયાનું સુકાન અજિંક્ય રહાણેએ સંભાળ્યું હતું. જેમાં બીજી ટેસ્ટ જીત્યા બાદ ટીમના ખેલાડીઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. ત્રીજી ટેસ્ટને હારમાંથી ડ્રો તરફ ખેંચવામાં ભારત સફળ રહ્યું હતું. અને અંતે ચોથી ટેસ્ટમાં મેજબાન ટીમને હરાવી ટીમ ઈન્ડિયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને રીટેન કરી છે. ભારત તરફથી  ચેતેશ્વર પુજારાએ 211 બોલમાં 56 રન, ગિલે 146 બોલમાં 91 રન બનાવ્યા હતા. સુંદરે 22 રનનું યોગદાન આપ્યું હતું. પંત 89 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરૂન ગ્રીન, ટિમ પેન (કપ્તાન/વિકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ

ભારતની પ્લેઈંગ: રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, ઋષભ પંત(વિકેટકીપર), વી.સુંદર, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન