હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ધ વાઇટ ટાઇગર’ ભેદભાવ અને કાસ્ટ સિસ્ટમની રિયલિટીને હૂબહૂ રજૂ કરતી એક અદ્ભુત ફિલ્મ છે. અમેરિકન ડિરેક્ટર રામીન બહરાનીએ ખૂબ સારી રીતે રજૂ કરી છે. અરવિંદ અડીગાની મેઇન બુકર પ્રાઇઝ વિનિંગ નૉવેલ ‘ધ વાઇટ ટાઇગર’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.

આ ફિલ્મમાં આપણી સોસાયટીની વાસ્તવિકતાને ખૂબ સારી રીતે અહીં દેખાડવામાં આવી છે. જો કોઈ ઇન્ડિયન ફિલ્મમેકર હોત તો તે આ વાસ્તવિકતાને ખૂબ રિયલ દેખાડી ન શક્યો હોત, કારણ કે તેને કન્ટ્રોવર્સીનો ડર વધુ હોત. જોકે રામીન બહરાનીએ શક્ય હોય એટલું ડિટેઇલમાં જઈને ખૂબ જ વાસ્તવિકતા દેખાડી છે. તેણે ગરીબી અને પૈસાદાર એમ બન્ને વ્યક્તિને ખૂબ નજીકથી જોયા બાદ આ ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી હોય એ જોઈ શકાય છે. તેણે બન્ને પક્ષના પહેલુને ખૂબ જ સારી રીતે રાખ્યા છે અને છતાં સોસાયટીમાં થતા ભેદભાવને દેખાડીને ભેદભાવ અને કાસ્ટ સિસ્ટમ પર એક જોરદાર તમાચો માર્યો છે.

ફિલ્મની સ્ટોરીમાં જોઈએ તો અશોક એટલે કે રાજકુમાર રાવ તેની પત્ની પિન્કી એટલે કે પ્રિયંકા ચોપડા જોનસ સાથે અમેરિકામાં અભ્યાસ કરીને ઇન્ડિયા આવ્યો હોય છે. તેમને બન્નેને લાગે છે કે તેઓ તેમની માનસિકતા અલગ હોવાથી આ કાસ્ટ સિસ્ટમ અને ભેદભાવને બદલીને સોસાયટીમાં બદલાવ લાવી શકશે. જોકે તેઓ બન્ને તેમની ફૅમિલીને કારણે આ જ ભેદભાવનો ભોગ બન્ને છે અને પ્રિયંકા પણ પૂરુષપ્રધાન સોસાયટીનો ભોગ બને છે.

ફિલ્મને કો-પ્રોડ્યુસ કરી હોવા છતાં પ્રિયંકા એક મહેમાન ભૂમિકામાં છે. તેણે તેના પાત્રને ખૂબ સારી રીતે ભજવ્યું છે. જ્યાં ઇમોશન્સની વધુ જરૂર હોય ત્યાં તેણે દૃશ્યને ખૂબ અસરકારક બનાવ્યું છે અને જ્યાં દૃશ્યને હળવું કરવાનું હોય ત્યાં તેણે એ પણ કર્યું છે. રાજકુમાર રાવ પણ તેના પાત્રમાં ખૂબ સારો છે.

આ બન્નેની સાથે મહેશ માંજરેકર અને વિજય મૌર્યએ પણ ખૂબ સારું કામ કર્યું છે. જોકે આ શો માટે સૌથી મોટું શ્રેય આદર્શ ગૌરવને આપવું જોઈએ. ચા વેચવાથી લઈને ડ્રાઇવર અને ઑન્ટ્રપ્રનર સુધીની તેની સફર ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. તેણે તેના દરેક દૃશ્યને ખૂબ નાજુકતાથી ભજવ્યાં છે. સ્ટોરી જેટલી સારી હતી એટલી જ સારી તેની ઍક્ટિંગ પણ હતી. સ્ટોરી અને આદર્શની ઍક્ટિંગને કારણે તમે જગ્યા પર બે કલાક અને પાંચ મિનિટ સુધી ચીટકીને બેસી રહેશો. આદર્શની બોલી, ચાલવાની સ્ટાઇલ, બૉડી-લૅન્ગ્વેજ અને સમયે-સમયે તેનાં બદલાતાં રહેતાં એક્સપ્રેશન ખૂબ અદ્ભુત છે.

આ સ્ટોરી કહેવા માટે રામીન બહરાનીએ જબરદસ્ત હિંમત કરી છે. તેણે એવાં ઘણાં દૃશ્યો દેખાડ્યાં છે જેને જોઈને કદાચ આપણે હચમચી જઈએ. મોટા ભાગે આવી સ્ટોરીથી ઇન્ડિયન ફિલ્મમેકર દૂર ભાગે છે, પરંતુ રામીને આવાં દૃશ્યોમાં અંદર સુધી ઘૂસીને એ દેખાડ્યાં છે. સોસાયટીમાં કાસ્ટ, ક્લાસ અને નફરત કેટલી હદ સુધી ફેલાયેલાં છે અને પૈસાદાર લોકો કેવી રીતે ગરીબ લોકોને દબાવે છે એ દેખાડવામાં રામીન બહરાની સફળ થયા છે. આ ફિલ્મ દ્વારા આપણે ઘણું શીખવા જેવું છે જેથી આપણે કાસ્ટ, ક્લાસ અને ભેદભાવનો નાશ કરી શકીએ. ફિલ્મ જોવું ન જોવું નિર્ણય તમારો..