કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે ઓવર ધી ટોપ (OTT) પ્લેટફોર્મ પર પ્રસારિત થતી વેબ સીરિઝને લઈને કડક વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું કે, તાંડવ સહિત અન્ય કેટલીક સીરિઝ સામે સંખ્યાબંધ ફરિયાદો મળ્યા બાદ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં નિયમન માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરશે. જાવડેકરે જણાવ્યું હતું કે, અમને ઓટીટી પ્લેટફોર્મ પર આવતી સીરિયલો અંગે અનેક ફરિયાદો મળી છે. ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થતી ફિલ્મ અને સીરિયલ તેમજ ડિજિટલ ન્યુઝપેપર પ્રેસ કાઉન્સિલ એક્ટ, કેબલ ટેલિવિઝિન નેટવર્ક (રેગ્યુલેશન) એક્ટ અથવા સેન્સર બોર્ડના દાયરામાં નથી આવતા. જેને પગલે અમે ઓટીટી માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જાહેર કરીશું.

તાજેતરમાં જ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રજૂ થયેલી વેબ સીરિઝ તાંડવને લઈને ભારે વિવાદ થયો હતો. હિન્દુઓની લાગણી દુભાવવા બદલ ઉત્તર પ્રદેશના લખનઉ, ગ્રેટર નોઈડા અને શાહજહાપુરમાં એફઆઈઆર પણ દાખલ થઈ હતી. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં બે અ કર્ણાટક તેમજ બિહારમાં એક-એક ફરિયાદ દાખલ કરવાઈ હતી. એફઆઈઆરમાં એમેઝોન પ્રાઈમ, ડાયરેક્ટર અલિ અબ્બાસ ઝફર, પ્રોડ્યુસર હિમાંશુ મહેરા, લેખક ગૌરવ સોલંકી અને પુરોહિત સહિતના લોકો પર ઉત્તર પ્રદેશ પોલીસનું ખોટું ચિત્રણ, હિન્દુ દેવતાઓનું અપમાન કરાયું હોવાનો દાવો કરાયો હતો.

આ ઉપરાંત એમેઝોનની અન્ય એક ચર્ચિત સીરિઝ મિરઝાપુર વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી હતી. સીરિઝમાં ઉત્તર પ્રદેશના મિરઝાપુરને માફિયાઓ તેમજ ગેરકાયદે વેપારન ગઢ ગણાવાયો છે જેની સામે એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.