દેશની રાજધાની દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શન સ્થળોને સોમવારે કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યા છે. પોલીસે ત્યાં સુરક્ષાના વધુ મજબૂત કરી દીધી છે અને બેરિકેડ્સની સંખ્યા વધારી દીધી છે. સાથોસાથ અનેક રસ્તાઓ પર ખીલ્લા મૂકીને કટારી વાડ ઊભી કરવામાં આવી છે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની અવર-જવરને વધુ સીમિત કરવા માટે પોલીસકર્મીઓની દેખરેખમાં મજૂરોએ સિંઘુ બોર્ડર પર મુખ્ય હાઇવેની પાસે સીમેન્ટના બે બેરિયરની વચ્ચે લોખંડના સળીયા લગાવી દીધા છે.

દિલ્હી-હરિયાણા સરહદ પર હાઇવેના એક અન્ય હિસ્સાને જામ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં સીમેન્ટની અસ્થાગી દિવાલ ઊભી કરી દેવામાં આવી છે. દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર ગાજીપુરમાં વાહનોની અવર-જવરને રોકવા માટે અનેક સ્તરીય બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. લોકોને પગપાળા જતા રોકવા માટે કાંટાની તાર પણ લગાવવામાં આવી છે. ભારતીય કિસાન યૂનિયનના સભ્યો અને તેમના નેતા રાકેશ ટિકૈતના ગાજીપુર યૂપી ગેટ પર અડગ રહેતાં અને ટિકૈતની ભાવનાત્મક અપીલ બાદ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડથી મોટી સંખ્યામાં ખેડૂતો અહીં પહોંચી રહ્યા છે. પ્રદર્શનકારી નવેમ્બરથી જ દિલ્હી-મેરઠ હાઈવેના એક હિસ્સા પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ગાજિયાબાદ પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓને દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે ખાલી કરવાનો અલ્ટીમેટમ આપ્યા બાદ આશંકા વધી ગઈ હતી કે પ્રદર્શનકારીઓને ગાજીપુરથી બળજબરીપૂર્વક હટાવવામાં આવશે. પરંતુ રાકેશ ટિકૈતની ભાવનાત્મક અપીલ પર ત્યાં ખેડૂતોની જનમેદની ઉમટી પડી. પ્રોવિંશિયલ આર્મ્ડ કોસ્ટેબુલરી (પીએસી) અને રેપિડ એક્શન ફોર્સ (આરપીએફ) સહિત અસંખ્ય સુરક્ષાકર્મી અહીં તૈનાત છે. સ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનથી બીકેયૂના સર્મથનમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે.

હરિયાણાની સરહદ પર સિંઘુ બોર્ડરની પાસે શ્રમિમો બે મજબૂત બેરિયરની વચ્ચે સળીયા લગાવી રહ્યા હતા. તેઓએ જણાવ્યું કે બીજી તરફ કાલે જ સળીયા લગાવવમાં આવ્યા. અસ્થાયી દિવાલ બનાવવા માટે બે બેરિયરની વચ્ચેની જગ્યા પર સીમેન્ટ નાખવામાં આવશે. 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે હિંસક ઘર્ષણ બાદ આ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ઈન્દિરાપુરમના સર્કલ ઓફિસર અંશુ જૈને સોમવારે કહ્યું કે દિલ્હી-ઉત્તર પ્રદેશની સરહદ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામાન્ય છે. તેઓએ કહ્યું કે, આનંદ વિહાર જવાના માર્ગ પર કેટલાક બેરિકેડ લગાવવામાં આવ્યા છે પરંતુ બપોરે તેમને હટાવી દીધા હતા.