કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન હવે વધુ મજબૂત બતું જાય છે સમગ્ર દેશના ખેડૂતો સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે હરિયાણાના ઝિંદ જિલ્લામાં કંડેલા ગામમાં ખેડૂતોની મહાપંચાયત મળી હતી. જેમાં ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈતએ કૃષિ કાયદાઓને ખેડૂત વિરોધી ગણાવીને લોકોને એકજૂથ થઈને તેનો વિરોધ કરવા અનુરોધ કર્યો હતો. મહાપંચાયતમાં ત્રણે કાયદાઓને પરત ખેંચવા, એમએસપી અંગે કાયદો બનાવવા અને ખેડૂતોની વિરોધમાં નોંધાયેલા કેસો પરત ખેંચવા સહિત કુલ 5 પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરાયા હતા.

ઝિંદની મહાપંચાયતમાં મોટીસંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. રાકેશ ટિકૈતએ કેન્દ્ર સરકારને સીધો પડકાર ફેંકતા મંચ પરથી કહ્યુ કે સરકાર આ કાયદાઓને પરત ખેંચી લે, હમણાં તો અમે માત્ર કાયદા પરત લેવાની માગણી કરી રહ્યા છીએ. જો ગાદી પાછી લેવાની વાત કરીશું તો સરકાર શું કરશે. ટિકૈતએ કહ્યુ અમે તમામ ગામોમાં જઈશું અને લોકોને એકજૂથ કરીશું.

જ્યાં સુધીવ સરકાર ખેડૂતોની મુખ્ય માગણીઓને પુર્ણ નહીં કરે ત્યાં સુધી આ રીતે જ સમગ્ર દેશમાં ખેડૂતોની મહાપંચાયત જારી રહેશે. મહાપંચાયતમાં ભાગ લેવા આવનારા રાકેશ ટિકૈતનું કંડેલા ખાપના સભ્યોએ હળ આપીને તેમનું સ્વાગત કર્યુ હતુ. કંડેલા મહાપંચાયતમાં લગભગ 50 ખાપના હજારોની સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો. કંડેલા ગામ વર્ષ 2002માં વીજળી બિલ માફીના આંદોલનને લઈ સમગ્ર દેશમાં ચર્ચાની એરણે રહ્યુ હતુ. આંદોલન દરમિયાન ખેડૂતોએ અનેક અધિકારીઓને પણ બાનમાં લઈ લીધા હતા. ટિકૈતના આંસુ બાદ કંડલા ગામના લોકોએ જ રાત્રિના સુમારે રસ્તા પર ઉતરીને ઝિંદ-ચંદીગઢ હાઈવેને જામ કરી દીધો હતો.