કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં છેલ્લા અઢી મહિનાથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા ખેડુતોના સંબંધમાં 10 વિપક્ષી પાર્ટીના સાંસદોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો છે. સાંસદોએ પોતાના પત્ર દ્વારા લોકસભા સ્પીકરને જણાવ્યું કે ગાઝીપુર બોર્ડર પર ભારત-પાકિસ્તાન સરહદ જેવી સ્થિતિ ઉભી થઈ છે. ખેડુતોની સ્થિતિ જેલના કેદીઓ જેવી થઈ ગઈ છે.

સાંસદો તરફથી જણાવવામાં આવ્યું કે, શિરોમણી અકાલી દળ, NCP અને TMC સહિત અનેક પાર્ટીઓના 15 સાંસદ ગાઝીપુર બોર્ડર પર ખેડુતો સાથે વાતચીત કરવા માટે ગયા હતા પરંતુ તેમણે ખેડુતોને મળવા દેવામાં આવ્યા નહી.

ગાઝીપુર બોર્ડર પર ખેડુતોને મળવા પહોંચેલા અકાલી દળના દળના સાંસદ હરસિમરત કૌર બાદલ પ્રમાણે તેમને અને તેમની સાથે અન્ય પાર્ટીના સાંસદોને પ્રદર્શન સ્થળે જવાની મંજુરી આપવામાં આવી નહી. નોંધનીય છે કે, હરસિમરત કૌર બાદલની સાથે રાકાંપાના સુપ્રીયા સુલે, દ્રમુકની કોનિમોઈ અને તિરુચી શિવા, TMCના સૌગત રોય પણ ખેડુતોને મળવા ગાઝિપુર બોર્ડર પહોંચ્યા હતા. તેમની સાથે નેશનલ કોન્ફરન્સ, RSP અને IUMLના સાંસદો પણ હતા.