સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વિટરે ભારત સરકારને જવાબ આપ્યો છે અને જણાવ્યું કે તેણે 500થી વધુ એકાઉન્ટ બંધ કરવા ઉપરાંત વિવાદિત હેશટેગને પણ હટાવ્યા છે. અત્રે જણાવવાનું કે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને ખોટી જાણકારી ફેલાવવા મુદ્દે કેન્દ્ર સરકારે મોટું પગલું ભરતા ટ્વિટરને ભડકાઉ કન્ટેન્ટ ફેલાવતા 1178 પાકિસ્તાની-ખાલિસ્તાની એકાઉન્ટને હટાવવાનો આદેશ આપ્યો હતો.

ટ્વિટરે પોતાના નિવેદનમાં કહ્યું કે 26 જાન્યુઆરી 2021 બાદ અમારી વૈશ્વિક ટીમે 24/7 કવરેજ પ્રદાન કર્યું છે અને અમે કન્ટેન્ટ, ટ્રેન્ડ્સ, ટ્વિટ્સ અને એકાઉન્ટ્સ પર નિષ્પક્ષ રીતે કાર્યવાહી કરી છે જે ટ્વિટરના નિયમોનો ભંગ કરી રહ્યા હતા. અમારી વૈશ્વિક નીતિની રૂપરેખા દરેક ટ્વીટને નિયંત્રિત કરે છે.

1. ટ્વિટરે નિયમોનો ભંગ કરનારા સેંકડો ખાતા પર કાર્યવાહી કરી, જે વિશેષ રીતે હિંસા, દુર્વ્યવહાર, નુકસાન પહોંચાડવાની ઈચ્છા, અને ધમકીઓને પ્રોત્સાહન આપી શકે છે.
2. અમે કેટલીક ટર્મ્સને રોકી, જે અમારા નિયમોનો ભંગ કરીને ટ્રેન્ડ્સ સેક્શનમાં આવી રહ્યા હતા.
3. ખોટી સૂચના અને ભડકાઉ કન્ટેન્ટ ફેલાવનારા 500થી વધુ એકાઉન્ટ્સને સસ્પેન્ડ કર્યા છે.
4. ખોટી જાણકારી ફેલાવવા અને વાસ્તવિક દુનિયાને નુકસાન પહોંચાડનારા ટ્વીટ્સ પણ અમે હટાવ્યા છે. જે અમારી સિન્થેટિક અને મીડિયા પોલીસીનો ભંગ કરી રહ્યા હતા.