વલસાડ: વર્તમાન સમયમાં ગાંધીજીના સાબરમતી આશ્રમના હૃદયકુંજની અનુભૂતિ કરાવતો આશ્રમ એટલે ‘ખોબા આશ્રમ’. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામમાં આવેલ આ આશ્રમ આજે લોક હૃદયકુંજનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યું છે. જીવનમાં સાદગી, ન્યૂનતમ જરૂરિયાતો સાથે રહેવાનો તેમનો આગ્રહ, દરેક ક્ષણે સભાનતાપૂર્વકની સરળતા, દંભી આડંબરનો સદંતર અભાવ, જીવનમાં પૂરતી પારદર્શિતા, જે પ્રાપ્ય છે તેને જ માણવાનો અભિગમ, કુદરતી બાબતોને જેમ છે તેમ સ્વીકારી લેવાની આવડત, જીવનમાં બધાંનો જ સમાવેશ કરી લેવાની ભાવના, બિનજરૂરી બાબતો પ્રત્યે પૂર્ણ ઉદાસિનતા, સ્થાનિક બાબતોને અપાતું પ્રાધાન્ય, સ્થાનિક પ્રશ્નો અને બાબતો માટેનો અપાર પ્રેમ- અહિ આ હૃદયકુંજ બનાવનાર કર્મવીર નીલમભાઈનું આ રહેઠાણ ખરેખર ગાંધીના હૃદયકુંજ સચોટ પ્રતિબિંબ પૂરું પાડે છે.

સામાન્ય રીતે જોઈએ તો મકાનએ એક વ્યક્તિત્વ કે વિચારધારાનું પ્રતિબિંબ છે. નીલમભાઈ કેવાં છે, તેમની સમજ કઈ છે, જીવનમાં કયા મૂલ્યો સાથે તે જીવે છે, તેમની દૃષ્ટિએ જીવનમાં અગત્યનું શું છે, અને કેવા પ્રકારનો અગ્રતાક્રમ તેમના જીવનમાં છે. આવી ઘણી બાબતો તેમના પહેરવેશ અને તેમના ખોબાના હૃદયકુંજ પરથી ઘણે અંશે જાણી શકાય છે.

આ ખોબા આશ્રમની માળખાકીય રચના લાકડામાંથી તથા દીવાલો ઇંટો અને માટીનો ઉપયોગ કરી બનાવાઈ છે. આશ્રમના ઓરડામાં મુકાયેલી બારીઓ તથા લાકડાની જાળી જાણે આ ગોપનિયતા જરૂરિયાત પ્રમાણની માત્રામાં ઓછી કરે છે ઓરડાની ઊંચાઈ તથા પ્રમાણમાપ તે ‘અંગત’ના બદલે ‘જાહેર’ હોવાની પ્રતીતિ કરાવે છે. પાછળના ઘરના ભાગનું પ્રમાણમાપ ઘરેલું લાગે તેવું છે આશ્રમમાં શયનકક્ષ, રસોઈ, ભોજન સ્થાન જેવાં સ્થાનો સમાવાયાં છે. અહીંના ઓરડાઓ પ્રમાણમાં નાના તથા વધુ બારીઓવાળાં છે આ ઓરડાઓમાં અલાયદાપણા સાથે સંકલિતતા પણ છે. નળિયાના ઢળતા છાપરાંવાળું આ મકાન સ્થાનિક સામગ્રી તથા બાંધકામની પ્રાપ્ય તકનિક પ્રમાણે બનાવાયું છે. આ આશ્રમ સ્થાપત્ય ગ્રામ્યવિધીન છે. આ આશ્રમ સ્થાનિક ગ્રામ્યશૈલીની હોવાથી અહીં આપણે પરંપરાગત આવાસમાં હોઈએ તેવી પ્રતીતિ સહજ થાય છે.

ખોબા આશ્રમ પ્રમાણમાં નાનો છતાં મોકળાશની અનુભૂતિ કરાવતો. અંગત છતાં પણ સામાજિક પરિસ્થિતિ પ્રમાણે મુક્તતા દર્શાવતો, પરંપરાગત કહી શકાય તેવો છતાં પણ આગવો, લોકસેવકના અનુરૂપ છતાં સામાન્ય કહી શકાય તેવો, નીચા ઘાટનો છતાં ઉચ્ચ વિચારોને પોષતો, નદી સન્મુખ છતાં પાછળના પર્વતોને પણ મહત્ત્વ આપતો આવી અનેક બાબતોથી ખોબાના લોક હૃદયકુંજનું સ્થાપત્ય એક વિશિષ્ટ રચના બની છે. અને સૌથી અગત્યનું એ કે અહીં બધાં ને જ ‘પોતાપણાનો’ અનુભવ થાય છે ક્યારેય વ્યક્તિને એવી પ્રતીતિ નથી થતી કે પોતે અહીં ‘બહાર’ની વ્યક્તિ છે. નીલમભાઈ જેમ પોતાના જીવનમાં આવનાર દરેક વ્યક્તિનો પોતાના બનાવી લે છે તેમ લોક હૃદયકુંજ પણ જાણે બધાં જ ને સહજતાથી સ્વીકારી લે છે.

આ આશ્રમ ઘણાં નામી વ્યક્તિઓની મુલાકાતનું સાક્ષી છે, જેમણે ગુજરાતમાં અને વિવિધ જગ્યાઓ પર લોકસેવા કરવા અંગે નીલમ સાથે ચર્ચાઓ કરી હતી. લોક સ્મારક તરીકે પ્રખ્યાત આ સ્થળ પર નીલમભાઈએ અસ્પૃશ્યતા કે નામી અનામી હોદ્દાઓ છોડી માનવતા મહેક ફેલાવતા માનવ થઇને આવવું ફરિજીયાત બનાવ્યું છે. અહી અહિંસા તથા સત્યના સમાજો પયોગી પ્રયોગો પણ કરવામાં આવે છે.

હૃદયકુંજ એટલે હૃદયને રહેવાનું ઘર. ઘણી રીતે આ નામ સાર્થક છે. એક રીતે જોઈએ તો નીલમભાઈ ખોબા અને આજુબાજુના વિસ્તારોના લોકોના ધબકાર બન્યા છે. એવું લાગે છે કે યુવાનોના સ્પંદનો જાણે તેમનામાં ઝીલાય છે. આવા માનવીનું રહેઠાણ એટલે લોક હૃદયકુંજ. નીલમભાઈના જીવનમાં મનના તર્ક કરતાં હૃદયની ઊર્મીઓનું પ્રાધાન્ય છે.

આ ખોબા હૃદયકુંજ સમાજમાં પ્રવર્તતા પ્રવાહોનું પ્રતિબિંબ છે. આજના પરિપ્રેક્ષ્યમાં આ આશ્રમ સામાજિક લાગણીઓનું, સામાજિક માળખાનું, સમાજની સદ્ધરતાનું તથા સામાજિક સમજનું પ્રતિબિંબ છે. અહી સમાજ તથા સંસ્કૃતિની ઘણી સામાજિક બાબતો ઉજાગર થતી હોય છે. તત્કાલીન સમાજ વ્યવસ્થા, આર્થિક સદ્ધરતા, રાજકીય ક્ષમતા વહીવટી માળખું, કળા માટેની સંવેદનશીલતા, તકનિકી જાણકારી તથા કુદરતના પરિબળો પ્રત્યેની જાગ્રતતા જેવી બાબતોનું જ્ઞાન માપદંડથી નીલમભાઇ આ હૃદયકુંજમાંથી યુવાપીઢીને પીરસી રહ્યા છે.

આજના ૧૨ માર્ચના દાંડી યાત્રાના દિવસે યાદ કરતા ગાંધીના ગ્રામીણ ભારતને સાર્થક કરતો આશ્રમ એટલે ‘ખોબા આશ્રમ’ બાપુની દાંડી યાત્રાની જેમ આ ખોબા આશ્રમની પણ લોક્યાત્રા યોજવામાં આવે છે ધરમપુર થી ખોબા આશ્રમ સુધીની આ યાત્રા ખરેખર દાંડીકુચની યાદ અને અહેસાસ કરાવે છે. ખોબા આશ્રમ રણીયામણો લાગે છે નીલમભાઇ નિ:સ્વાર્થ  પ્રવૃત્તિની સુંગધ ભળી છે. ખોબા આશ્રમને સૌ યુવાનો મળીને એક નવું નામ આપવાનો નિર્ણય કર્યો છે અને એ છે ‘નીલ હૃદયકુંજ’.