પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ડાંગ: હાલમાં ગુજરાતના પ્રવાસન સ્થળ સાપુતારામાં દારુ અંગેના કિસ્સાઓ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે ત્યારે ગતરોજ પોલીસે સાપુતારા ચેકપોસ્ટ પર 1.65 લાખના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે 8,74,940નો મુદ્દામાલ તેમજ સુરતના 2 ખેપીયાની અટક કરી હોવાનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે.

પોલીસ સુત્રોનું કહેવું છે કે અહેકો નવલસિંહ પરમાર તથા શક્તિસિંહ સરવૈયાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ટીયુવી કારમાં બે ઇસમો મહારાષ્ટ્રનાં નાસિક તરફથી દારૂ ભરીને સાપુતારા તરફ આવી રહ્યા છે. બાતમી આધારે પોલીસે કારને સાપુતારા ચેકપોસ્ટ પર અટકાવી ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 1.5 લીટર ભરેલી પ્લાસ્ટીકની પોટલીઓ કુલ નંગ-149 કિંમત રૂ. 1,65,940નો ભારતીય બનાવતનો વિદેશી દારૂનો જથ્થો તથા ટીયુવી કાર કિંમત રૂ. 7 લાખ તથા ત્રણ મોબાઇલની કિંમત રૂ. 9 હજાર મળી કુલ 8,74,940નો મુદ્દામાલ કબજે કર્યો છે. મળેલી માહિતી પ્રમાણે આ ખેપીયાઓ દારૂ પ્લાસ્ટીકની થેલીમાં પેક કરીને લઈ જતા હતા.

વર્તમાનમાં ડાંગના જિલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક જે.આઇ.વસાવા તથા સાપુતારાના ઈનચાર્જ પીએસઆઈ પી.એચ.મકવાણાનાં માર્ગદર્શન હેઠળ મંગળવારે સાપુતારાના અહેકો નવલસિંહ પરમાર અને અહેકો શક્તિસિંહ સરવૈયા, અર્જુનસિંહ રાજેન્દ્રસિંહ, વિજયભાઈ લવજીભાઈ, રાજુભાઈ દડુભાઈ વગેરેઓએ પોલીસ ટીમ દ્વારા સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર તથા દારૂની બદી નેસ્તનાબુદ કરવા સઘન ચેકીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.