દેડીયાપાડા: હળપતિ સેવા સંઘ સંચાલિત આશ્રમશાળા સામરપાડા તાલુકો- ડેડીયાપાડામાં સંસ્થા કાર્યરત છે. જેમાં ધોરણ ૧ થી ૮ માં ૧૫૦ કરતાં પણ વધુ કુમાર-કન્યાઓ ઉત્તમ રીતે અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી “વૈશ્વિક મહામારી” કોરોના રોગ આવ્યો હોય જાહેર રજાઓ આપવામાં આવી છે.

મળેલી માહિતી અનુસાર ગરીબ બાળકોના શિક્ષણ પ્રત્યે ખૂબ લાગણીઓ, ચિંતા અને માનવતાના ધોરણે સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ મોબાઈલ, ટી.વી. અત્યાધુનિક સાધનો દ્વારા આ બે શિક્ષકો બાળકોમાં શિક્ષણ આપવાના સતત પ્રયત્નો કર્યા હતા. જેમાં અંતરિયાળ પહાડી અને ડુંગરાળ વિસ્તારના બાળકો અને મહારાષ્ટ્ર બોર્ડર ગામના બાળકો હોય મોબાઈલ નેટવર્કમાં ખૂબ પ્રોબ્લેમ જોવા મળે છે .

આશ્રમશાળા સામરપાડાના શાળાના આચાર્ય અર્જુનભાઈ બી પટેલના માર્ગદર્શન હેઠળ જીતેન્દ્રભાઈ ભગુભાઇ પટેલ અને નિકુંજકુમાર ગિરીશભાઈ પટેલ આ બે શિક્ષકો એમના પોતાના સ્વખર્ચે ગરીબ બાળકોનું ભાવી ન બગડે તે માટે દૂર દૂર અલગ અલગ પહાડી વિસ્તારના ગામડાઓમાં ઝૂંપડે ઝૂંપડે જઈ શિક્ષણ અને આરોગ્ય વિષયક માહિતીઓ પૂરી પાડવાના અને પોતાના જીવનું જોખમ લઈ સતત પ્રયત્ન કરતા રહ્યા છે.

“કોરોના મહામારી” ના આવા કપરા સમયમાં જીવના જોખમે આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપતા આ બે શિક્ષકો શિક્ષણની સુગંધ પ્રસરાવી ઉત્તમ ઉદાહરણરૂપ સાબિત થયા છે.