કોરોના વાયરસને કારણે ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે જેને કોઈ માઠી અસર ન પહોંચી હોય. કોરોના વાયરસને કારણે અભ્યાસની સ્થિતિ ઓનલાઈન-ઓફલાઈન થતા વિદ્યાર્થીઓને પોતાના કરિયરની ચિંતા સતાવી રહી છે. ગુજરાત રાજ્યમાં સરકારે સ્કૂલ બાદ ઓફલાઈન ધોરણે ચાલતી કૉલેજ બંધ રાખવા પણ આદેશ કર્યા છે.

ગુજરાતમાં પણ વધી રહેલા કેસને ધ્યાને લઈને વાલીઓએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. ધો. 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં લેવા નિર્ણય લેવાયો હતો. પણ સતત વધી રહેલા કેસને કારણે વાલીઓની ચિંતા વધી ગઈ છે. ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાને લેતા તમામ સરકારી કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યા છે. મે મહિનામાં સ્કૂલની પરીક્ષા લેવી શક્ય નથી. જ્યારે બોર્ડની પરીક્ષા જૂન મહિનામાં યોજવામાં આવે.

ગુજરાતમાં બોર્ડની પરીક્ષા તા. 10મી મેથી ધો. 10 અને ધો. 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જે તા. 25મી મે સુધી ચાલશે. ધો. 12ની પરીક્ષાનો સમય 3 થી 6.30 અને ધો. 10 નો સમય 10થી 3.15 સુધીનો છે. શિક્ષણમાં કોરોનાને લીધે પડેલી અસરના કારણે અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મુકાયો છે. ધો. 12 સાયન્સના પ્રશ્નપત્રમાં 50 ટકા MCQ યથાવત રાખવામાં આવ્યા છે. ધો. 12 સાયન્સમાં 50 ટકા ઓપ્શનવાળા પ્રશ્નો તેમજ 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રાખી જનરલ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.