વાંસદા: હાલમાં કાળ મુખી કોરોના પોતાના કહેર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફેલાવી રહ્યો છે ત્યારે ગતરોજ વાંસદાના પોઝિટિવ દર્દીએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી પોતાની માતાનું વેન્ટીલેટરના અભાવે મૃત્યુ થવા પાછળ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને નવસારી જિલ્લા કલેકટરને જવાબદાર ઠેરવ્યા છે જેનાથી સમગ્ર વિસ્તારમાં જિલ્લાના તંત્ર માટે લોકોમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચીખલીની હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર અને ઓક્સિજનવાળા બેડની અછત છેલ્લા કેટલાક સમયથી રહી છે.આવા સંજોગોમાં ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા વાંસદાના કંડોલપાડામાં રહેતા હિરેન રજનીકાંત પંડ્યાએ સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરી પોતાની વ્યથા અને તંત્ર સામે ઉગ્ર રોષ સાથે જણાવે છે કે પાંચેક દિવસ પૂર્વે તેમની માતાનું વેન્ટીલેટરના અભાવે નવસારી હોસ્પિટલમાં જ મૃત્યુની ઘટના બની હતી.

હાલમાં પણ પિતાને ઓક્સિજન જોઈએ છે પણ મળતો નથી. હું વર્ષોથી ભાજપનો વોટર રહ્યો છે પણ આજે મને લાગે છે કે ભાજપ સરકારનું તંત્ર નિષ્ફળ ગયું છે અને ધારાસભ્યો, સાંસદ પાસે કોઈ પણ વ્યવસ્થા નથી. પાંચ ઓક્સિજનની બોટલો મૂકી ફોટા મૂકે છે. હું કલેકટર, મુખ્યમંત્રી,વડાપ્રધાન ને પૂછવા માંગુ છું કે મારી માતાના મૃત્યુ માટે જવાબદાર કોણ ?

આ મામલે દિવ્યભાસ્કરમાં છપાયેલા રીપોર્ટમાં ચીખલી-વાંસદા ધારાસભ્ય અનંત પટેલે જણાવે છે કે સમગ્ર જિલ્લામાં ઓક્સિજનની કમી છે. કોઈ દર્દી આ રીતે ડિમાન્ડ કરે તે વહીવટી તંત્ર માટે ખૂબ શરમજનક છે. વહીવટી તંત્ર આંધળું, બહેરુ છે તે આ વીડિયો પરથી ફલિત થાય છે. ઓક્સિજન પૂરો પાડવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્ર કલેકટરની છે.

​​​​​​​