તાપી: સોનગઢના ડોસવાડામાં ગામે સ્થપાનારા ઝીંક કંપની માટે લોકોનો મત જાણવા આજે યોજવામાં આવેલ પર્યાવરણીય લોક સુનાવણી હિંસક બની હતી. જેમાં સ્થાનિક આદિવાસી લોકો અને પોલીસ પ્રશાસન વચ્ચે ઘર્ષણ થયાની ઘટનાઓ બહાર આવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ડોસવાડા જીઆઇડીસી ખાતે જ્યાં ઝીંક કંપની સ્થપાનાર છે. ઝીંક કંપની માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી. કંપનીની સ્થાપનાને લઈને શરૂઆતથી સ્થાનિક લોકોમાં વિરોધ હોવાથી લોકસુનાવણી શરૂ થતા થતાં જ ભેગા થયેલા લોકોએ લોકસુનાવણી રદ કરવાની જીદ પકડી હતી. સામાજિક સંગઠનના કાર્યકર્તાઓ, આદિવાસી નેતાઓ અને કોંગ્રેસ અગ્રણીઓએ પણ લોકસુનાવણી રદ કરવા સિવાય બીજી કોઈ ચર્ચા નહીં કરવાની વાત કરતા લોકોના ઉગ્ર વિરોધ જોઈ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી અને તાપી કલેક્ટરે લોક સુનાવણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી પરંતુ કેટલાક લોકોએ લોક સુનાવણી મોકૂફ કરાયાનું લેખિતમાં માંગતા તંત્ર તરફથી લખાણ આપવામાં વિલંબ થતાં મામલો બિચકયો હતો.

સ્થાનિક આદિવાસી આગેવાનોના કહ્યા મુજબ ત્યાર બાદ લેખિત અપાતું ન હોવાની વાત બે કલાકથી હાઇવે જામ કરી બેસેલા ટોળા પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવાનું શરૂ કરવામાં આવ્યું પોલીસના લાઠીચાર્જથી પહેલાં તો ટોળું હાઇવે પરથી હટી ગયું હતું, પરંતુ ગણતરીની મિનિટમાં જ ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી વળતો હુમલો કર્યો. અને  પોલીસ અને ટોળા વચ્ચે લગભગ અડધો કલાક સુધી હિંસક સંઘર્ષ ચાલ્યો હતો આ દરમિયાન પોલીસે ટોળાને વિખેરવા ટિયરગેસના સેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે આ અથડામણ વધુ ઉગ્ર અને હિંસક બની હતી જેમાં  અનેક પોલીસકર્મી અને લોકો ઘવાયા હતા. પોલીસના વાહનોની સાથે ખાનગી વાહનોનું નુકસાન થયું છે. ઘવાયેલા પોલીસકર્મી અને લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બાદ પોલીસે હુમલાખોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સોનગઢ નિઝરના ધારાસભ્ય સુનિલભાઈ ગામીત સહિત પર્યાવરણીય લોકસુનાવણીમાં આવેલા અનેક આગેવાનો, કાર્યકર્તાઓએ કોરોનાકાળમાં લોકસુનાવણી યોજી મોટું લોકટોળું ભેગું કરવા બદલ લોકસુનાવણી યોજનાર અધિકારી વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધવા ઉગ્ર માંગ કરી હતી.

જ્યારે પર્યાવરણીય લોકસુનાવણીમાં આવેલા ધારાસભ્ય સુનિલભાઈ ગામીત સહીત અનેક આદિવાસી આગેવાનો, સમાજિક કાર્યકર્તાઓએ આ લોક આંદોલનને નબળું પાડી કચડી નાખવાનું સરકાર અને પોલીસ પ્રસાશનનું કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે.