ડોલવણ: ગતરોજ ડોલવણ તકીઆંબા ગામના સસ્તા અનાજના જયસિંહભાઈ કોકણી નામના દુકાનદાર દ્વારા સરકારી અનાજ બારોબાર સગેવગે કરવાની ઘટનામાં ઇન્ચાર્જ મામલદાર રાકેશભાઈ રાણાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધાવાની ઘટના સામે આવી છે.

Decision Newsને મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના તકીઆંબા ગામમાં સસ્તા અનાજનો દુકાન ધારક જયસિંહભાઈ બાબુભાઈ કોકણી 30 જૂનના રોજ GJ-19-V-1336 નંબરનો ટેમ્પો પિક અપમાં સરકારી અનાજનો જથ્થો લઇ ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા ત્યારે તેની જાણ ગ્રામજનોને થતાં ગ્રામજનોએ આ ટેમ્પો અટકાવી બનાવની જાણ ડોલવણ પોલીસ અને મામલતદારને કરવામાં આવી હતી ત્યાર બાદ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે દુકાનદાર સરકાર દ્વારા અપાતું અનાજ વિતરણ કરતી વખતે કુટુંબદીઠ અનાજ ઓછું આપતો હતો જેના કારણે લોકોએ ગુસ્સે થઇ સસ્તા અનાજનો જથ્થો ભરેલો ટેમ્પોને અટકાવી પોલીસ અને મામલતદારને જાણ કરી હતી પકડાયેલા ટેમ્પોમાં 5,34,156 લાખ રૂપિયાનો સરકારી અનાજનો જથ્થો અને 2 લાખનો ટેમ્પો મળીને 7,34,156 લાખનો મુદ્દા પોલીસે કબજે કર્યો છે. તથા દુકાનદાર જયસિંહભાઈ બાબુભાઈ કોકણી વિરુદ્ધ જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ હુકમ) ની 2001 તથા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-3 અને 7 મુજબ ગુનો કર્યો હોય દુકાનદાર જયસિંહભાઈ કોકણી વિરુદ્ધ ગુનો દાખલ કરી ડોલવણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.