વાંસદા: આજે 27 જુલાઇ 2015ના રોજ મેઘાલયના શિલોંગમાં આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણિતા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામનું અવસાન થયું હતું ત્યારે દરવર્ષની જેમ આજે પણ આખા દેશમાં તેમની પુણ્યતિથિ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ઉજવવામાં આવી રહી છે એમના સપનાનું ભારત બનાવવાના આજે ઠેર ઠેર સંકલ્પ યુવાનો દ્વારા લેવાશે.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુના રામેશ્વરમમાં 15 ઑક્ટોબર, 1931માં સ્થાનિક મસ્જિદના ઇમામ જૈનુલાબ્દીન અને માતા આશિઅમ્મા ઘરે જન્મેલા ડૉ. એ. પી. જે અબ્દુલ કલામ ભારતના સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત છે. તેઓ દેશના વિદ્યાર્થીઓના પ્રિય હોવાના સાથે સાથે એક મહાન વિચારક, લેખક અને વૈજ્ઞાનિક પણ હતા. દરેક ક્ષેત્રમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે.

ચાલો આજે તેમની પુણ્યતિથિ તેમના બાળપણના કિસ્સાથી શીખ મેળવીએ. બાલ્યાવસ્થામાં ડૉ. અબ્દુલ કલામ આઠ-નવ વર્ષના હતા ત્યારે એક સાંજે તેમના પિતા કામ કરીને ઘરે આવ્યા બાદ ભોજન કરી રહ્યા હતા. થાળીમાં એક બળી ગયેલી રોટલી હતી. રાત્રે કલામે પોતાની માતાને બળેલી રોટલી માટે પિતા પાસે માંફી માંગતા સાંભળ્યું. ત્યારે પિતાએ ખૂબ જ પ્રેમપૂર્વક જવાબ આપ્યો હતો કે મને બળી ગયેલી રોટલી પણ પસંદ છે. કલામે આ વિશે પિતાને પૂછ્યું તો તેમણે કહ્યુ કે – બળેલી રોટલીઓ ક્યારેય કોઇને નુકશાન નથી પહોંચાડતી પરંતુ કડવા શબ્દ ચોક્ક્સ નુકશાન પહોંચાડે છે. એટલા માટે સંબંધમાં એકબીજાની ભૂલને પ્રેમથી સ્વીકારો. અને જે તમને નાપસંદ કરે છે તેમના માટે સંવેદના રાખો. આ ઉપદેશ આપણા માટે પણ આપણા જીવનને મધુરતા આપવા માટે મહત્વનો સાબિત થશે આજે તેમના પુણ્યતિથિ દિવસ નિમિત્તે તેમના જીવન સંઘર્ષ અને સફળતામાંથી પ્રેરણા લઇ આપણે પણ આપણા સપના સાકાર કરીએ એવો સંકલ્પ કરીએ.